ભાજપે ગુજરાતમાં કોંગ્રેસનાં કાંગરા ખેરવી નાંખ્યા પણ AAPનાં ઝાડૂએ ભાજપના સમીકરણોને કરી દીધા અદ્વરતાલ

2021ની મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ગઢ અચૂક રીતે સચવાયેલો રહ્યો છે. પરંતુ લાંબા ગાળે તેમાં ગાબડાં પડે તેવાં સંકેત જરુરથી આમ આદમી પાર્ટીના ગુજરાતમાં થયેલા મજબૂત ઉદયથી મળ્યો છે. આ સાથે જ ગુજરાતમાં ત્રીજા પક્ષને સ્થાન નથી તે માન્યતા ખોટી પડી છે. સુરતમાં આપને મળેલા આવકારથી કોંગ્રેસનો સફાયો થયો છે. જે ભવિષ્યમાં ભાજપ માટે પણ ખતરાના સંકેત હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોની હારજીતમાં આપને મળેલા મતોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. હજુ પંચાયતોની ચૂંટણીના પરિણામો બાકી છે તે પછી સમગ્ર રાજ્યની સ્થિતિ સ્પષ્ટ થશે. પરંતુ ભાજપની જેમ જ આપ અલગ વિચારધારા વાળી પાર્ટી તરીકે રાજ્યમાં છેવટે વિપક્ષ તરીકે સ્થાપિત થઈ શકે છે. એ પરિણામે સાબિત કરી દીધું છે.

સુરતમાં જે રીતે ૨૭ બેઠક પર આપનું ઝાડુ ફરી વળ્યું તે દિવસભર રાજકીય રીતે સૌથી ચર્ચાસ્પદ બાબત બની રહી હતી. કારણ કે પ્રથમ વખત સ્થાનિક ચૂંટણીમાં મોટાપાયે ઝંપલાવનારી પાર્ટી સુરતમાં વિપક્ષી પાર્ટી બની શકે છે તેવી કલ્પના પણ મુશ્કેલ હતી. જોકે સુરતના પાટીદાર વર્ગે કોંગ્રેસના બદલે આપ પર પસંદગી ઉતારી વિકલ્પ મળે તો મતદારો અપનાવવા તૈયાર હોવાનો સંકેત આપ્યો છે.

અમદાવાદમાં પણ પાટીદાર બહુમતી ધરાવતા વોર્ડમાં આપના ઉમેદવારોને ઢગલાબંધ વોટ મળ્યા છે. જે ભાજપની વોટબેંકમાં સીધું ગાબડું છે. ડિસેમ્બરમાં જ આપના પ્રદેશ પ્રમુખ બનેલા પૂર્વ પાટીદાર આંદોલનકારી ગોપાલ ઇટાલિયાનો વન મેન શો જેવા દેખાવ રહ્યો છે. સુરતમાં પાટીદાર વર્ગ કોંગ્રેસથી નારાજ હોવાનો લાભ પણ આપને મળ્યો છે.

અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં આપના ઉમેદવારોને જંગી મત મળ્યા છે. જેના કારણે અનેક બેઠકો પરના ગણિત ખોરવાયા છે.
પાટીદાર મતદારો વધુ હોય તે સિવાયના વોર્ડમાં પણ આપને નોંધપાત્ર રીતે મત મળ્યા છે.

અમદાવાદની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ઉમેદારોને કેટલાક વોર્ડમાં ખૂબ જ જબ્બર રિસ્પોન્સ મળ્યો છે. જેમાં ગોમતિપુરમાં ૨૭૫૭૨, ઇન્ડિયા કોલોનીમાં ૧૮૨૭૭, ઠક્કરબાપા નગરમાં ૧૭૧૫૫, વટવામાં ૧૪૮૩૦, ઇન્દ્રપુરીમાં ૧૦૭૭૬, વસ્ત્રાલમાં ૧૦૩૨૧, જમાલપુરમાં ૯૬૨૮, સરસપુરમાં ૯૪૦૯, મક્તમપુરમાં ૯૬૧૬, નરોડામાં ૮૪૧૧, રામોલમાં ૯૩૩૮ જેટલા મતો મળ્યા છે.