કોંગ્રેસના નેતાઓ સતત ભાજપમાં કેમ જોડાઈ રહ્યા છે? ગાડરિયા પ્રવાહનું શું કારણ?

પાછલા કેટલાક સમયથી કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો ગાડરિયો પ્રવાહ ચાલી રહ્યો છે. કોંગ્રેસનાં લોકોને ભાજપવાળા રેડ કાર્પેટ પાથરીને સ્વાગત કરી રહ્યા છે અને તેમને ખભે ખભે ઉંચકી રહ્યા છે. કોંગ્રેસ મૂક્ત ભારત કરવાના બદલે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે. હવે ભાજપમાં કોંગ્રેસીઓને સંખ્યા ભાજપના કાર્યકરો કરતાં પણ વધી જાય તો નવાઈ પામવા જેવું રહેશે નહી. કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો અવિરત સિલસિલાના કારણે તારણો છે. નેતાઓની મજબૂરી, ફાઈલો કે પછી રાજકીય કરિયર કે પછી કોંગ્રેસમાં કહેવાતી ઉપેક્ષના કારણો આગળ ધરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસનું હવે કોઈ ભવિષ્ય નથી?

હાલની સ્થિતિમાં કોંગ્રેસના ઘણા નેતાઓને એવું લાગવા માંડ્યું છે કે આ પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી. રાજકારણમાં પ્રભાવ જાળવવા કોંગ્રેસના નેતાઓ સતત ભાજપમાં જોડાઈ રહ્યા છે. કેટલાક નેતાઓ સ્વાભિમાનને ઠેસ પહોંચી હોવાના કારણે પક્ષપલટો પણ કરી રહ્યા છે.

શું નેતાઓનો સ્વાર્થ છે?

મોટાભાગના નેતાઓ સ્વાર્થી છે. જે પક્ષમાં સ્વાર્થ સાધવામાં આવે છે તેમાં અમે જોડાઈએ છીએ. નેતાઓને સત્તાની ચાસણી જ દેખાય છે. આજકાલ આ ટ્રેન્ડ ઘણો વધી રહ્યો છે.

પક્ષની વફાદારીનું પ્રમાણ ઘટ્યું?

રાજકારણીઓને પક્ષની વફાદારી કરતાં સત્તા ભોગવવાની ઈચ્છા હોય છે. એટલે જે નેતાઓ વર્ષો સુધી બીજા પક્ષને કોસીને સત્તા મેળવે છે, એ જ પક્ષમાં જોડાય છે જેની સાથે તેઓ સત્તામાં રહેવા માટે વર્ષો સુધી લડે છે.

કોંગ્રેસમાં પણ છે હિન્દુવાદી નેતાઓ

કોંગ્રેસના જૂના અનુભવી હિન્દુ નેતાઓને ભાજપની વિચારધારા અનુકૂળ લાગી રહી છે. આવા સંજોગોમાં ભાજપમાં જોડાવું સ્વાભાવિક છે. કોંગ્રેસની ટોચની નેતાગીરીમાં ફેરફાર કર્યા વિના આ ટ્રેન્ડ અટકવાનો નથી.

પક્ષપલટો એ નવી વાત નથી

રાજકારણમાં કોઈ કોઈનું નથી. આજે આની સાથે, કાલે તેની સાથે. કોંગ્રેસ છોડીને અન્ય પક્ષમાં જોડાનાર નેતાઓ આજનો મુદ્દો નથી. નેતાઓ ઉગતા સૂર્યને વંદન કરે છે. પોતાના ફાયદા માટે પક્ષપલટાની રાજનીતિ નવી વાત નથી.

તપાસ એજન્સીઓનો ડર

તપાસ એજન્સીઓની કાર્યવાહીથી બચવા અને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. પક્ષમાં દિશાહીન નેતૃત્વ અને આત્મ અવગણના પણ કારણો છે.

ટિકિટ માટેની ચડસાચડસી

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસના નેતાઓ વધુને વધુ ટિકિટ મેળવવા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપમાં પક્ષપલટો કરવા પાછળનું કારણ કોંગ્રેસના નેતાઓને પક્ષમાંથી ટિકિટ મળશે કે નહીં તે ડર છે. કોંગ્રેસમાંથી ટિકિટ મળે તો પણ જીતશે? તપાસ એજન્સીઓનો ડર પણ એક કારણ છે.

કોંગ્રેસી હોવાની ભાવના મરી પરવારી

કોંગ્રેસના નેતાઓ સતત ભાજપમાં જોડાઈ રહ્યા છે કારણ કે તેઓ ગમે તે રીતે સત્તાનો આનંદ ઈચ્છે છે. જે નેતા પોતાના પિતૃ પક્ષને સમર્પિત નથી રહી શકતા તે બીજા પક્ષનું શું ભલું કરશે અને દેશનું શું ભલું કરશે. આવા ટર્નકોટ્સથી સાવધ રહેવું જોઈએ. કોંગ્રેસીઓમાંથી કોંગ્રેસી હોવાની ભાવના મરી પરવારી હોવાની પણ છાપ ઉપસી રહી છે. કેટલાક નેતાઓ લડવા ખાતર લડે છે તો કેટલાક નેતાઓ પક્ષના ફંડને માટે લડે છે.