ગરીબોની કસ્તુરી દેશવાસીઓને ફરી રડાવશે. જેમાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો 30 થી 40 રૂપિયાનો વધારો થયો છે. ડુંગળીના ભાવમાં બે દિવસમાં 15 થી 20 રૂપિયાનો વધારો થયો છે. વેપારીઓનો અંદાજ છે કે આગામી દિવસોમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયા સુધી પહોંચી જશે. રવિ પાક ઓછો હોવાથી ડુંગળીના ભાવ વધી રહ્યા હોવાનું જથ્થાબંધ વેપારીઓ જણાવી રહ્યા છે. જ્યારે આદુ અને લસણનાં ભાવ આસમાને પહોંચી ગયા છે.
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી હતી. તેમજ અમિત શાહની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ આ નિર્ણય લીધો હતો. જેમાં 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. બાંગ્લાદેશમાં 50 હજાર ટન ડુંગળીની નિકાસ થઈ શકે છે. જેનાથી ગુજરાત સહિત દેશભરના ખેડૂતોને ફાયદો થશે. તેમજ ખેડૂત સંઘે સરકારના નિર્ણયને આવકાર્યો છે.
અગાઉ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતોને ભાવ ન મળવાની ચિંતા હતી. બીજી તરફ ખેડૂતોએ પણ ડુંગળીના ભાવ મુદ્દે માર્કેટયાર્ડમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેણે આત્મવિનાશ માટે પણ હાકલ કરી. સામાન્ય લોકો માટે ડુંગળી ફરી એકવાર મોંઘી થઈ ગઈ છે.
લસણનાં ભાવ પ્રતિ કિલો 400 રુપિયા સુધી પહોંચી ગયા છે અને આમાં હજુ વધારો થશે એવું વેપારીઓ કહી રહ્યા છે. જ્યારે આદુ પણ 100 રુપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. મોંઘવારીના માર વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.