વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના લોકોને 23 હજાર કરોડ રૂપિયાથી વધુની ભેટ આપી છે. આ દરમિયાન પીએમએ જમ્મુમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તેમનો આ જગ્યા સાથે 40 વર્ષથી વધુ સમયથી સંબંધ છે. તેમણે અહીં અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને ઘણી વખત આવ્યા છે. પીએમએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકોનો પ્રેમ આપણા બધા માટે મોટો આશીર્વાદ છે. આ દરમિયાન પીએમએ અહીંના ઝડપી વિકાસ વિશે પણ વાત કરી.
પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર ઝડપથી આગળ વધી રહ્યું છે, અહીં કનેક્ટિવિટી વધી છે. અહીંના વિકાસને લઈને ઉત્સાહિત છે. જમ્મુ-કાશ્મીરના વિકાસનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હવે અહીં IIT અને IIM છે. જનસભા દરમિયાન પીએમ મોદીએ અહીં અગાઉની સરકારો પર પણ નિશાન સાધ્યું હતું.
“70 વર્ષનાં અધૂરાં સપનાં પૂરાં કરીશું”
અગાઉની સરકારો પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર હંમેશા વંશવાદી રાજકારણનો શિકાર રહ્યું છે. વંશવાદની રાજનીતિ કરનારાઓએ માત્ર પોતાના હિત જ જોયા છે, આવી વંશવાદી સરકારો યુવાનો માટે યોજનાઓ બનાવતી નથી. જે લોકો ફક્ત તેમના પરિવાર વિશે જ વિચારે છે તેઓ ક્યારેય તમારા પરિવારની ચિંતા કરશે નહીં. હવે અહીંના લોકોના 70 વર્ષના અધૂરા સપના પૂરા કરાશે.