સુપ્રીમ કોર્ટમાંથી શરદ પવાર જૂથને કોઈ રાહત નહીં, ‘રિયલ NCP’ પર ECના નિર્ણય પર સ્ટે મૂકવાનો ઇનકાર

શરદ પવાર મહારાષ્ટ્રમાં NCPની વાસ્તવિક લડાઈને લઈને રાહત મેળવી શક્યા નથી. સુપ્રીમ કોર્ટે અજિત પવારના જૂથને વાસ્તવિક NCP જાહેર કરવાના ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. જો કે, સર્વોચ્ચ અદાલતે સોમવારે કહ્યું કે આ કેસમાં શરદ પવારની અરજીની તપાસ કરવા માટે તૈયાર છે. કોર્ટે અજિત પવાર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવીને 2 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 3 અઠવાડિયા પછી થશે.

સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી સુધી, શરદ પવાર તેમના રાજકીય પક્ષ માટે ‘NCP શરદ ચંદ્ર પવાર’ નામનો ઉપયોગ કરશે.

જો પવાર તેમની પાર્ટી એનસીપી શરદચંદ્ર પવાર માટે ચૂંટણી પંચ પાસે પ્રતીકની માંગ કરે છે, તો ચૂંટણી પંચે એક અઠવાડિયામાં પ્રતીક ફાળવી દેવું જોઈએ.

આ કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેન્ચમાં થઈ હતી. શરદ પવારે અજિત પવાર જૂથને વાસ્તવિક NCP જાહેર કરવાના અને ઘડિયાળને ‘ચૂંટણી’ ચિન્હ આપવાના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે. શુક્રવારે શરદ પવાર તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે એવી સંભાવના છે કે શરદ પવારને અજિત પવાર દ્વારા જારી કરાયેલા વ્હીપનો સામનો કરવો પડી શકે છે.

વાસ્તવમાં મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર આવતા અઠવાડિયે શરૂ થશે. તે જ સમયે, શરદ પવારના જૂથને હજી સુધી કોઈ પક્ષનું પ્રતીક ફાળવવામાં આવ્યું નથી. તે એક વિચિત્ર સ્થિતિ હશે કારણ કે, ચૂંટણી પંચના આદેશને કારણે, જ્યારે આગામી સપ્તાહે વિધાનસભા શરૂ થશે, ત્યારે શરદ પવાર અજિત પવારના વ્હીપ હેઠળ હશે.