“સંદેશખાલીની મણિપુર સાથે સરખામણી ન કરો”: સુપ્રીમ કોર્ટેનો સંદેશખાલી કેસમાં હસ્તક્ષેપ કરવા  ઇનકાર

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના સંદેશખાલી કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સોમવારે આ કેસમાં સીબીઆઈ અથવા એસઆઈટી તપાસની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉપરાંત, કોર્ટે અરજદારને કલકત્તા હાઈકોર્ટમાં જવા માટે કહ્યું છે. આ કેસમાં વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. હવે તેણે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે.

સુપ્રીમ કોર્ટે આ મામલે કહ્યું કે તેની સરખામણી મણિપુર સાથે ન થવી જોઈએ. હાઈકોર્ટે આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે હાઈકોર્ટ શ્રેષ્ઠ છે. હાઇકોર્ટ SIT તપાસનો આદેશ આપવા સક્ષમ છે.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે તે પીડિતો પ્રત્યેની ઉત્સુકતા અને સહાનુભૂતિને સમજે છે, પરંતુ આ કોર્ટ દ્વારા કોઈપણ તપાસનું મોનિટરિંગ સંપૂર્ણપણે અલગ છે.

આ પછી અરજદારે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. અરજદારે હાઈકોર્ટનો સંપર્ક કરવાની અરજી પાછી ખેંચી છે, જેને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે.

જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી.

આ માંગણી અરજીમાં કરવામાં આવી

સુપ્રીમ કોર્ટના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કેસની તપાસ SIT અથવા CBI દ્વારા કરાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં નિષ્પક્ષ તપાસ માટે સમગ્ર તપાસ પશ્ચિમ બંગાળની બહાર કરાવવાની માંગ કરવામાં આવી હતી. તેમજ મણિપુરની તર્જ પર 3 નિવૃત્ત ન્યાયાધીશોની કમિટી બનાવવા માટે સુપ્રીમ કોર્ટમાં માંગ કરવામાં આવી હતી. પીડિતોને વળતર આપવા સૂચના આપવાની સાથે દોષિત પોલીસકર્મીઓ સામે શિસ્તભંગના પગલાં ભરવાની પણ માંગણી આવેદનમાં કરવામાં આવી છે.