સુરતના દાઉદી વ્હોરા સમાજના અગ્રણી ફરી એક વાર વિવાદમાં આવી ગયા છે. બદરી લેસવાલાની પેઢી કાચી પડતા ભારે ચર્ચા થઈ રહી છે. બદરી લેસવાલાની “બુરહાની લેસ’ કાચી પડતી 60.74 કરોડની લોનની વસૂલાત માટે નોટિસ કાઢી જાહેરાત આપવામાં આવી છે. 60.74 કરોડની લોન ભરપાઈ નહીં કરવા બદલ બદરી લેસવાલા સહિત બે જણને ડીફોલ્ટર જાહેર જાહેર કરવામાં આવ્યા છે.
અખબારમાં પ્રસિદ્વ થયેલી જાહેરાત મુજબ ISARC કેનેરા બેંક ટ્રસ્ટે કાર્યવાહી શરૂ કરી છે. સુરતના સચિન સ્થિત સુરત સેઝનો લેસ ઉત્પાદનનો પ્લાન્ટ સીલ કરવામાં આવ્યો છે. સ્થાવર જંગમ, મિલકતોની હરાજી કરી લોનની રકમ વસૂલ કરવા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જામીનદાર-ગીરોદાર બદરી લેસવાલા ઉપરાંત મુર્તુઝા અહેમદભાઈ લેસવાલા અને ઝેહરા લેસવાલાને નોટિસ આપવામાં આવી છે. જોકે, હવે હરાજીની પ્રક્રિયાને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. 22મી જાન્યુઆરીએ રાખવામાં આવેલી હરાજીની પ્રક્રિયા યોગ્ય લેવાલ નહીં મળવાના કારણે નવી તારીખ સુધી મુલત્વી રાખવામાં આવી છે.

હરાજીની પ્રક્રિયાનાં બે અધિકારીઓ પૈકી ધર્મેશ મહેતાએ ટેલિફોન પર જણાવ્યું કે પાછલા સાત આઠ વર્ષથી મિલ્કતોનું પઝેશન હાલ બેંક વતી જે કંપની હરાજીનું કામ જોઈ રહી છે તેની પાસે છે. સતત નોટિસો આપી હોવા છતાં રુપિયા ભરવામાં ન આવતા જાહેરખબર આપી ઓક્શનની કાર્યવાહી કરવામાં આવી છે.