મણિપુરમાં ફરી હિંસા-પથ્થરમારો, 400ની ભીડે વાહનો સળગાવ્યા, બેના મોત

મણિપુરમાં ફરીથી હિંસા ફાટી નીકળી છે અને ૪૦૦ લોકોની ભીડે ત્યાંના પોલીસ વાહનો ફૂંકી મારીને પથ્થરમારો કર્યો હોવાના અહેવાલો છે. આ માથાકૂટ એક હેડકોન્સ્ટેબલની સેલ્ફીના કારણે સર્જાઈ હોવાનું જાણવા મળે છે.

મણિપુરના કુકી-જો જનજાતિનું પ્રભુત્વ ધરાવતા યુરાચાંદપુર જિલ્લામાં એસપી ઓફિસ પર ગુરુવારે મોડી રાત્રે (૧પ ફેબ્રુઆરી) રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર ૩૦૦ થી ૪૦૦ લોકોના ટોળાએ એસપી-સીસીપી ઓફિસ પર પથ્થરમારો કર્યો અને તેને આગ લગાવી દીધી. આરએએફ અને એસએફ એ ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતાં. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું કે ચુરાચાંદપુર એસપી એ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્સ કરી દીધા હતાં, જેના વિરોધમાં આ હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ આ હુમલાને નજરે જોનારનું કહેવું છે કે, આ ઘટનામાં ર પ્રદર્શનકારીઓના મોત થયા છે અને લગભગ રપ લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ૧૪ ફેબ્રુઆરીએ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં સિયામલાલપોલ નામનો હેડ કોન્સ્ટેબલ હથિયારધારી લોકો સાથે જોવા મળ્યો હતો. તે શિસ્તબદ્ધ પોલીસ દળના સભ્ય હોવાને કારણે સિયામલાપોલની આ કાર્યવાહી ખૂબ જ ગંભીર છે.

આ ઉપરાંત તેજપુર વિસ્તારમાં ઈન્ડિયા રિઝર્વ બટાલિયનની પોસ્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. અહીં ૬ એકે-૪૭, ૪ કાર્બાઈન, ૩ રાઈફલ, ર એલએમજી અને કેટલાક ઓટોમેટિક હથિયારો પણ લૂંટાયા હતાં. ફાયરીંગ, હુમલા અને હથિયારોની લૂંટના વીડિયો પણ સામે આવ્યા છે.

હિંસાના ડ્રોન કુટેજ સામે આવ્યા છે. જેમાં પહાડી પર હાજર લોકો તેમના ઘાયલ અને મૃત સાથીઓને લઈને જતા જોવા મળે છે. હિંસામાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ રપ વર્ષિય સગોલસેમ લોયા તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોમાં એકને પગમાં અને બીજાને ખભામાં ગોળી વાગી હતી, જો કે તેઓ જોખમની બહાર છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઘાયલ લોકો મૈતેઈ સમુદાયના છે કે કુકી.

શાંતિપુર ઈરીલ નદી પાસે ફાયરીંગ શરૃ થયું ત્યારે કેટલાક બાળકો ત્યાં ફૂટબોલ રમતા હતાં. હથિયારબંધ લોકોએ તેમના પર પણ ગોળીબાર કર્યો હતો. ગભરાયેલા બાળકો પોતાનો જીવ બચાવવા ઝાડીઓમાં છૂપાઈ ગયા હતાં. આ દરમિયાન તેઓને ઈજા થઈ હતી. બાળકોનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેમના પગમાં ઘા દેખાય છે. બાળકો રડે છે અને નજીકમાં ગોળીબાર સંભળાય છે. હકીકતે ઈમ્ફાલ ઈસ્ટના ખામેનલોકમાં જ્યાં આ ઘટના બની તે મૈતેઈ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. નજીકમાં કાંગપોકપી વિસ્તાર છે, જે કુકી પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. અગાઉ પણ બે જુથો વચ્ચે હિંસા થઈ છે.