બિહારમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયા તેજસ્વી યાદવઃ સહિયારી જાહેર સભા

રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રામાં તેજસ્વી યાદવ જોડાયા હતાં. તે પછી રાહુલ સાથેની તસ્વીર ચર્ચાનો વિષય બની છે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ એક જ ગાડીમાં બેઠા હતાં.

ભારત જોડો ન્યાય યાત્રામાં બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ જોડાયા હતાં. તેમણે શુક્રવારે સાસારામમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને જોઈન કર્યા હતાં. આ દરમિયાન બન્ને વચ્ચેની મિત્રતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. સૌથી રસપ્રદ નજારો એ હતો કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ એક જ ગાડીમાં બેઠા હતાં. જેમાં તેજસ્વી યાદવ ડ્રાઈવ કરી રહ્યા હતાં અને રાહુલ ગાંધી બાજુની સીટ પર બેઠા હતાં.

બન્ને નેતાઓની આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જ ેની ભારે પ્રશંસા થઈ રહી છે, જો કે અમુક યુઝર્સ તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે, પરંતુ રાજકીય જગતમાં આ તસ્વીર ચર્ચાનો વિષય બની ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આજે કૈમુરના દુર્ગાવતીના ધનેછામાં એક સભાને સંબોધશે. બન્ને નેતાઓ એકસાથે મોદી સરકાર સામે હુંકાર ભરશે અને નીતિશ કુમાર સામે પણ નિશાન તાકે તેવી શક્યતા છે.

રાહુલે શુક્રવારે સાસારામની સભામાં ખેડૂતો સાથે વાત કરી હતી. તેમાં અને ટેકારી સભામાં તેજસ્વી સાથે રહ્યા હતાં. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે શુક્રવારે કહ્યું કે ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ૩૪ મો દિવસ છે. રોહતાસ પછી યાત્રા સાંજે પ વાગ્યે ઉત્તરપ્રદેશમાં પ્રવેશ કરશે. રાહુલ અહીં ખેડૂતોને પણ મળશે.

રાહુલ ગાંધી ગુરુવારે સાંજે દેહરી થઈને પોતાના કાફલા સાથે જમુહર પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી ફૈમુરમાં જનસભાને સંબોધશે. આ પછી તેઓ ઉત્તરપ્રદેશ જવા રવાના થશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. જે કાનપુરથી ઝાંસી થઈને મધ્યપ્રદેશમાં પ્રવેશવાની હતી, હવે આ યાત્રા ર૧ મીએ કાનપુર સુધી સ્થગિત કરવામાં આવશે. આ પછી યાત્રા રર અને ર૩ તારીખે વિરામ લેશે. ત્યારપછી ર૪ મીએ મુરાદાબાદથી સંભલ, બુલંદશહર, અલીગઢ, હાથરસ, આગ્રા થઈને રાજસ્થાનમાં પ્રવેશ કરશે.