ત્રણ રાજ્યોમાં ભાજપના વિજય અંગે વડાપ્રધાનનું નિવેદનઃ પક્ષના કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ

દિલ્હીમાં સંસદ ભવન સંકુલમાં ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મંત્રીઓ, સાંસદો ઉપસ્થિત રહ્યા હતાં.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાં ભાજપના વિજય અંગે ઉપસ્થિત સૌએ પીએમ મોદીનું વિજય નારા સાથે સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ત્રણેય રાજ્યોમાં પ્રતિતિજનક વિજય તે પક્ષના કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ છે. તેમણે તેલંગણા તથા મિઝોરમ રાજ્યમાં ભાજપની મજબૂતાઈ વધી હોવાનું જણાવ્યું હતું.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રીનું નામ હજી સુધી નક્કી કરાયું નથી અને આજની સંસદીય દળની બેઠકમાં પણ તે અંગે કોઈ ચર્ચા નહીં થતા સસ્પેન્સ યથાવત્ જ રહ્યું છે. દરમિયાન રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે દિલ્હી પહોંચી ગયા છે.

આ વખતની ચૂંટણીમાં ભાજપે જે સંસદ સભ્યોને વિધાનસભાની ચૂંટણીમાં ઉતાર્યા હતાં અને ધારાસભ્ય તરીકે વિજેતા થયા છે તે ૧ર સંસદ સભ્યોમાં નરેન્દ્રસિંહ તોમર, પ્રહ્લાદસિંહ પટેલ, રાકેશસિંહ, ઉદય પ્રતાપ, રીતિ પાઠક (મધ્યપ્રદેશ), અરૃણ સારવો, રેણુકાસિંહ, ગોમતી સાઈ (છત્તીસગઢ) તથા રાજવર્ધન સિંહ રાઠોડ, દિયા કુમારી અને કિરોડીલાલ મીણા (રાજસ્થાન) એ સંસદસભ્ય તરીકે રાજીનામા આપ્યા છે, જો કે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે જેમના નામની ચર્ચા છે તે મહંત બાલકનાથે હજી સુધી સંસદસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે છીંદવાડામાં કાર્યકર્તાઓના સંમેલનમાં હાજરી આપી હતી, જ્યારે છત્તીસગઢમાં આવતીકાલે ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાનાર છે.

આ વખતની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના ચહેરા જાહેર કર્યા નથી. રાજસ્થાનમાં બાલકનાથ, વસુંધરા રાજે, શેખાવતના નામો ચર્ચામાં છે, જ્યારે મધ્યપ્રદેશમાં નરેન્દ્રસિંહ તોમર, પ્રહ્લાદસિંહ પટેલ, કૈલાસ વિજયવર્ગિય, જ્યોતિરાદિત્ય સિંધિયા, વી.ડી. શર્માના નામો ચર્ચાઈ રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના મોવડીમંડળ દ્વારા આવતીકાલે તા. ૮/૧ર ના સાંજ સુધીમાં ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની શક્યતા છે.