તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે રેવંત રેડ્ડીના શપથ ગ્રહણ, PM મોદીએ અભિનંદન શુભેચ્છા પાઠવી

તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રી તરીકે આજે કોંગ્રેસના રેવંત રેડીએ શપથ ગ્રહણ કર્યા હતાં. તેમની સાથે ૧૧ મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતાં.

દેશના પાંચ રાજ્યોમાં તાજેતરમાં વિધાન સભાની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને બમ્પર જીત મળી હતી જ્યારે તેલંગાણામાં કોંગ્રેસને જબરી સફળતા સાંપડી હતી. જ્યારે મીઝોરમમાં ઝેડપીએમની જીત થઈ છે.

રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં હજુ મુખ્યમંત્રીની શપથવિધિ થવા પામી નથી. જ્યારે આજે તેલંગાણામાં કોંગ્રેસના રેવંત રેડીએ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તેમની સાથે ૧૧ મંત્રીઓએ પણ શપથ લીધા છે.

રાજ્યમાં પ્રથમ વખત કોંગ્રેસને ૬૪ બેઠકો મળી છે. જ્યારે ભાજપને ૮ બેઠકો તથા કેસીઆરની પાર્ટી બીઆરએસને ૩૯ બેઠકો મળી છે.

કોંગ્રેસના હાઈ કમાન્ડ દ્વારા ગઈકાલે જ મુખ્યમંત્રી તરીકે રેવંત રેડીના નામની જાહેરાત કરી હતી. તેલગાણાના ગર્વનર તમિલિસાઈ સુંદર રાજનએ આજે હૈદરાબાદના એલબી સ્ટેડીયમમાં રેવત રેડીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતાં.

આ કાર્યક્રમમાં કોંગ્રેસના સોનીયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમજ મલ્લીકાર્જુન ખડગે સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

કોંગ્રેસ દ્વારા ઈન્ડિયા ગઠબંધનનો મુખ્યમંત્રીઓને પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું હતું.

આજના મંત્રી મંડળમાં ભાટી વિક્રમ મારકા, ઉતમ રેડી, શ્રીધર બાબુ, કોંડા સુરેખા, પૂનમ પ્રભાકર પોંગુલેરી શ્રી નિવાસ રેડી, તુમમલા નાગેશ્વર રાવ, દાનાસારી, અનસુયા અને કોખારી રેડીએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતાં.

તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા રેવંત રેડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન શુભેચ્છા પાઠવી છે.