પોરબંદરથી દરિયામાં ૧૧૨૦ કિમી દૂર સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ આગામી બે-ત્રણ દિવસમાં વાવાઝોડામાં પરિવર્તિત થતાં ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં ૧૭૦ કિ.મી.ની ઝડપે પવન સાથે વરસાદની શક્યતાને લીધે સુરત સહિત રાજ્યનું તંત્ર એલર્ટ થઈ ગયું છે.
ગુજરાત તાઉતે વાવાઝોડાના બે વર્ષ બાદ ફરીથી વાવાઝોડાની ‘આફત’ આવે તેવી શક્યતા છે. ગુજરાતના દરિયાકાંઠે વધુ એક વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતથી ૧૧ર૦ કિ.મી. દૂર દૂર અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમ તા. ૮ જૂન સુધીમાં વાવાઝોડામાં ફેરવાય એવી શક્યતા છે. આ વાવાઝોડમાં ૧૭૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેને લઈને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે.
રાજ્યના તમમ બંદરો પર ર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બીજી તરફ સુરતના ૪ર ગામોને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે તેમજ ડિઝાસ્ટર વિભાગ દ્વારા કંટ્રોલરૃમ પણ શરૃ કરી દેવામાં આવ્યો છે.
બાંગ્લાદેશે આ વાવાઝોડાને ‘બિપોરજોય’ નામ આપ્યું છે. જેનો અર્થ જ ‘આફત’ થાય છે. હાલ આ સિસ્ટમ પોરબંદરથી ૧૧૧૦ કિ.મી. દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ, ગોવાથી ૯૦૦ કિ.મી. પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી ૧૦૩૦ કિ.મી. દક્ષિણ-પશ્ચિમ અને કરાંચીથી ૧૪૧૦ કિ.મી. દક્ષિણ કેન્દ્રિત છે. આજે બપોર પછી આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધીને તીવ્ર વાવાઝોડામાં પરિણમે તેવી પૂરી શક્યતા છે.
સંભવિત વાવાઝોડાની સ્થિતિના પગલે તકેદારીના ભાગરૃપે કચ્છના કંડલા, મુન્દ્રા સહિતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. હજુ વાવાઝોડું ગુજરાતના કાંઠે આવશે કે પછી ફંટાઈ જશે તે સ્પષ્ટ નથી. હવામાન વિભાગ આ સિસ્ટમની હિલચાલ પર સતત નજર રાખી રહ્યું છે. ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બનીને સિવિયર સાઈકલોનિક સ્ટોર્મમાં ફેરવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. વાવાઝોડાને લઈ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. સુરત ડિજાસ્ટર મેનેજમેન્ટ તંત્ર આગમચેતી લઈ તૈયારીઓમાં લાગી ચૂક્યું છે. આવનાર ૯ અને ૧૦ તારીખે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. જેને લઈ દરિયાઈ વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવાયા છે. કંટ્રોલ રૃમની રાઉન્ડ ધ ક્લોક સેવાઓ પણ ચાલુ કરી દેવાઈ છે.
વાવાઝોડની શક્યતાને લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવાઈ છે. તંત્ર દ્વારા વિશેષ ર૪ કલાક કાર્યરત અલાયદો કંટ્રોલરૃમ તૈયાર કરાયો છે. તેના માધ્યમથી વાવાઝોડાની તમામ અપડેટ માહિતી મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ત્રણ તાલુકાના વાવાઝોડાની અસર વર્તાવાની શક્યતા છે. દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ચોર્યાસી, મજુરા અને ઓલપાડ તાલુકામાં ૪ર ગામોને અસર થવાની શક્યતા છે, જેને લઈને આ તમામ ગામોને એલર્ટ કરી દેવાયા છે અને જરૃરી સૂચનો અને માહિતી આપવામાં આવી છે.
દરિયાઈ વિસ્તારની નજીક આવેલા અસરગ્રસ્ત થઈ શકે તેવા ૪ર ગામો પર તંત્રની ખાસ નજર રાખવામાં આવી છે. અલાયદી વ્યવસ્થાના ભાગરૃપે તંત્ર દ્વારા જો આ ગામોમાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે તો તે માટે પણ જુદા જુદા સેન્ટર હોમ નિર્માણ કરવાની તૈયારી શરૃ કરી દીધી છે. આ ઉપરાંત કામરેજમાં એક એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે. તેમ છતાં વધુ તેમની જરૃર પડશે તો એનડીઆરએફની ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
વાવાઝોડાની શકયતાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત જે માછીમારો દરિયો ખેડવા ગયા છે તેમને ઝડપથી પરત બોલાવી લેવામાં આવે તે પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે. ૯ અને ૧૦ તારીખે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શકયતા હાલ જોવા મળી રહી છે.
કોઈએ અફવામાં આવવું નહીં
તેઓએ અંતમાં જણાવ્યું હતું કે, વાવાઝોડાને લઈ તંત્ર તમામ રીતે એલર્ટ પર છે. ત્યારે લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓમાં ગેરમાર્ગે દોરવાની જરૃર નથી. સમયાંતરે સમાચાર માધ્યમો અને સરકારની સૂચનાઓ પર ધ્યાન આપવામાં આવે અને સોશિયલ મીડિયામાં ખોટી માહિતી અને અફવાઓથી સચેત રહેવા લોકોને અપીલ કરી છે.
આ સિવાય જાફરાબાદ બંદર પર પણ બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જાફરાબાદના દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાની વાત કરીએ તો હાલ આ સિસ્ટમની કોઈ અસર જોવા મળી રહી નથી.