આ માણસનો શું વાંક? વડોદરા સ્ટેશન નાસભાગ કેસમાં સુપ્રીમે શાહરૂખ ખાનને મોટી રાહત આપી 

સેલિબ્રિટીઓને અન્ય તમામ નાગરિકોની જેમ અધિકારો છે અને તેને પરોક્ષ રીતે ફસાવી શકાય નહીં. બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન સાથે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે આ ટિપ્પણી કરી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે 2017માં ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગ અંગેના ફોજદારી કેસને પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો હતો. ફિલ્મના પ્રમોશન દરમિયાન મચેલી નાસભાગમાં એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું.

આ વર્ષે એપ્રિલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા અભિનેતા સામેનો ફોજદારી કેસ પણ રદ કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના આદેશને યથાવત રાખતા જસ્ટિસ અજય રસ્તોગી અને સીટી રવિ કુમારની ખંડપીઠે કહ્યું, “આ માણસ (શાહરૂખ ખાન)નો શું વાંક હતો? માત્ર એટલા માટે કે તે એક સેલિબ્રિટી છે, તેનો અર્થ એ નથી કે તેની પાસે કોઈ અધિકાર નથી.”

કોર્ટે કહ્યું કે શાહરૂખ ખાન પાસેથી એવી અપેક્ષા રાખી શકાય નહીં કે તે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમામની સુરક્ષા સુનિશ્ચિત કરે અથવા વ્યક્તિગત ગેરંટી આપે. કોર્ટે કહ્યું, “જો કોઈ ટ્રેનમાં મુસાફરી કરે છે, તો તે વ્યક્તિગત ગેરંટી નથી. એક સેલિબ્રિટીને પણ દેશના દરેક નાગરિકની જેમ સમાન અધિકારો છે.” બેન્ચે વધુમાં કહ્યું: “તે (ખાન) સેલિબ્રિટી છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે દરેકને નિયંત્રિત કરી શકે છે. તેથી આવી બાબતોમાં વધુ સમય બગાડો નહીં, મહત્વના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરો જે આ કોર્ટના ધ્યાન અને સમયને પાત્ર છે.” વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ લુથરા અને કરંજાવાલા એન્ડ કંપનીના વકીલોની ટીમ દ્વારા શાહરૂખ ખાનનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું.

23 જાન્યુઆરી 2017ના રોજ વડોદરા રેલવે સ્ટેશન પર ઓગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસના આગમનને લઈને ભારે હોબાળો થયો હતો. શાહરૂખ ખાન ફિલ્મના પ્રમોશન માટે આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન ઉભી રહી ત્યારે હજારો લોકો શાહરૂખની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા. નાસભાગ દરમિયાન, રેલ્વે સ્ટેશન પર સ્થાનિક રાજકારણી ફરહીદ ખાન પઠાણનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. આ ઘટનામાં અન્ય કેટલાક ઘાયલ થયા હતા કારણ કે શાહરૂખ ખાને ફિલ્મના નામવાળી ટી-શર્ટ અને કેટલીક પ્રમોશનલ સામગ્રી ભીડ તરફ ફેંકી હતી.

એ વર્ષના અંતે વડોદરાની મેજિસ્ટ્રેટ કોર્ટે સ્થાનિક કોંગ્રેસ નેતા જીતેન્દ્ર સોલંકીની ફરિયાદ પર શાહરૂખ ખાનને સમન્સ જારી કર્યા હતા. ભારતીય દંડ સંહિતાની કલમ 336, 337 અને 338 હેઠળના કેસમાં તેમની સામે કાર્યવાહી કરવા માટે પૂરતા આધાર હોવાનું અવલોકન કરતાં સ્થાનિક કોર્ટે ખાનને સમન્સ જારી કર્યા હતા.

જો કે, આ વર્ષે એપ્રિલમાં, હાઇકોર્ટે ફોજદારી કેસને ફગાવી દીધો હતો કે શાહરૂખ ખાનને ગુનાહિત બેદરકારી માટે દોષિત ઠેરવી શકાય નહીં અને એવું પણ ન માની શકાય કે તેની ક્રિયાઓ કમનસીબ ઘટનાનું ચોક્કસ કારણ હતું. પ્રમોશન માટે શાહરૂખ ખાન પાસે વહીવટીતંત્રની પરવાનગી હોવાનું પણ બહાર આવ્યું છે. હવે સુપ્રીમ કોર્ટે પણ આ જ આદેશને યથાવત રાખ્યો છે.