બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન

ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને 200 કરોડની છેતરપિંડી કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિક સમક્ષ સુનાવણી દરમિયાન કોર્ટે અભિનેત્રીના વકીલની વિનંતી પર જેકલીનને આ જામીન આપ્યા છે.

અભિનેત્રીને જામીન આપતા કોર્ટે જામીન અરજી પર ED પાસે જવાબ માંગ્યો છે. જ્યાં સુધી ED તેનો જવાબ દાખલ નહીં કરે ત્યાં સુધી અભિનેત્રીની જામીન અરજી કોર્ટમાં પેન્ડિંગ રહેશે. આ સમગ્ર કેસમાં આજે આરોપી પિંકી ઈરાની પણ કોર્ટમાં હાજર થઈ છે. તે જ સમયે, આ કેસની આગામી સુનાવણી 22 ઓક્ટોબરે થશે.

જેકલીન ફર્નાન્ડીઝને રૂ. 50,000ના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. તેમની ટીમ ઘણા સમયથી જામીનની માંગ કરી રહી હતી. એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે આ મામલે ED પાસે જવાબ માંગ્યો છે.
જણાવી દઈએ કે 17 ઓગસ્ટે જેકલીન ફર્નાન્ડીઝને EDએ આરોપી બનાવ્યો હતો. તેમની સાથે 7 કરોડ 27 લાખની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. આ સિવાય જેકલીન પર મહાથુગ સુકેશ પાસેથી કિંમતી ભેટ અને 7.7 કરોડ રૂપિયાની રોકડ રકમ લેવાનો પણ આરોપ છે. જેકલીનની મુસીબતો આગામી દિવસોમાં વધુ વધી શકે છે, પરંતુ જામીન મળવાને કારણે અભિનેત્રીને થોડા સમય માટે રાહત મળી છે.