ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને નજરકેદ કરવામાં આવ્યા? ચીનમાં કેમ ફેલાઈ આવી ચર્ચા, શું છે મામલો

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ચીની સેનાએ નજરકેદ કરી દીધા છે. કેટલાક ચાઇનીઝ સોશિયલ મીડિયા હેન્ડલર્સનું કહેવું છે કે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠોએ તેમને પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના વડા તરીકે હટાવ્યા પછી તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા છે. આ મામલે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે આ અફવા પર પડદો પાડવો જોઈએ, શું ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ખરેખર નજરકેદ છે?

ટ્વિટર પર #xijinping હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. ચીનમાં એવી ચર્ચા છે કે PLAએ રાષ્ટ્રપતિ શી જિનપિંગને નજરકેદ કરીને બળવો કર્યો છે. ન્યૂઝ હાઈલેન્ડ વિઝનના અન્ય એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓ અને ચીનના ભૂતપૂર્વ વડા પ્રધાન વેન જિયાબાઓના કહેવા પર ચીનના રાષ્ટ્રપતિને નજરકેદ કરવામાં આવ્યા હતા, જેમણે સ્થાયી સમિતિના ભૂતપૂર્વ સભ્ય સોંગ પિંગને ચીનના સેન્ટ્રલ ગાર્ડ બ્યુરોમાં નિયુક્ત કર્યા હતા.

આ ચર્ચાઓએ જોર પકડ્યું જ્યારે ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું કે “ચીન વિશે નવી અફવા છે, જેની તપાસ થવી જોઈએ કે શું શી જિનપિંગ નજરકેદ છે? એવું માનવામાં આવે છે કે જિનપિંગ જ્યારે સમરકંદમાં હતા, ત્યારે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ તેમને હટાવ્યા હતા. ત્યાર બાદ એવી અફવા છે કે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે.” સ્વામીએ એક વીડિયો પણ શેર કર્યો છે.

રિપોર્ટ શું છે?

હકીકતમાં, અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શી જિનપિંગ SCO મીટિંગ માટે સમરકંદથી પાછા ફર્યા બાદ 16 સપ્ટેમ્બરના રોજ એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને સંભવતઃ તેઓ હાલમાં નજરકેદ છે. સોશિયલ મીડિયા પર આવા વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. જો કે, આ દાવાઓમાં કેટલી સત્યતા છે તે જાણવાનું બાકી છે.