દેશમાં માત્ર 20 ટકા લોકોએ કોરોના રસીનો બુસ્ટર ડોઝ લીધો, લોકોમાંથી કોરોનાનો ભય થઈ રહ્યો છે દુર

ભારતમાં કોરોના કાબૂ હેઠળ જ છે અને થોડા દિવસોથી દૈનિક કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. નાગરિકોમાં પણ ભય દૂર થઇ ગયો હોય તેમ બુસ્ટર ડોઝ લેવા પણ આગળ આવતા નથી. દેશમાં હાલ માત્ર ૨૦ ટકા લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો હોવાનું જાહેર થયું છે.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ૧૮ વર્ષથી વધુની વય ધરાવતા માત્ર ૨૦ ટકા લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. અર્થાત ૫માંથી માત્ર ૧ વ્યક્તિએ કોરોના રસીનો પ્રિકોશન ડોઝ મેળવ્યો છે. ભારતમાં દૈનિક પોઝીટીવીટી રેટ ૧.૭૦ ટકા અને અઠવાડિક રેટ ૨.૬૪ ટકા રહયો છે.

૧૮થી ૫૯ વર્ષના વય જુથમાં ૧૨ ટકા અને ૬૦ વર્ષથી વધુના ૩૫ ટકા લોકોએ પ્રિકોશન ડોઝ મેળવ્યો છે. કોરોના રસીનો એક ડોઝ લેનાર લોકોની સંખ્યા ૯૨.૦૯ કરોડ છે જ્યારે બન્ને ડોઝ લેનાર લોકોની સંખ્યા ૮૫.૯૮ કરોડ છે. બુસ્ટર ડોઝ લેનારાની સંખ્યા માત્ર ૧૫.૬૬ કરોડ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત સરકારે સમગ્ર દેશમાં કોરોના રસીનો બુસ્ટર ડોઝ મફત આપવાની જાહેરાત કરી હતી. પરંતુ કોરોના કાબૂમાં હોવાથી અને ખાસ સંક્રમણ ન હોવાના કારણે લોકો રસ લેતા નથી.