‘રેવડી’ની લહાણી: ગુજરાતના ધારાસભ્યો કે પરિવારજનોને લાખો રૃપિયાની મેડિકલ સારવાર મફતમાં…!

છેલ્લા થોડા મહિનાથી રાજકીય પક્ષો દ્વારા જનતાને આપવામાં આવતી ‘મફત’ સેવા-સુવિધાને ‘રેવડી’ તરીકે ગણી ભારે ચર્ચા ચાલી રહી છે.

ખાસ કરીને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા જે રીતે વીજળી અને પાણી મફતમાં આપવામાં આવે છે, જે રીતે સરકારી હોસ્પિટલો/દવાખાનાઓમાં મફત સારવાર અને સરકારી શાળાઓમાં તમામ સાધન સુવિધા સાથે બાળકોને મફત શિક્ષણ આપવાની નીતિ-રીતિ અને અમલિકરણની દેશભરમાં ભારોભાર પ્રશંસા થઈ રહી છે. આ જ મુદ્દાઓ સાથે કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પંજાબમાં પણ સત્તા કબજે કરી લીધી છે અને પંજાબની જનતાને પણ મફતમાં વીજળી-પાણી આપવાનો અમલ શરૃ કરી દેવાયો છે.

હવે બે-ત્રણ મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે કેજરીવાલે ગુજરાતના પ્રવાસો યોજી અલગ અલગ સેવા-સુવિધાઓ મફતમાં આપવાની ગેરન્ટી ચાલુ રાખી છે.

જેની સામે ભાજપના વડાપ્રધાન સહિતના રાષ્ટ્રીય નેતાઓ તેમજ ગુજરાતના નેતાઓ મજાક ઊડાવી ‘રેવડી’ વહેંચવાની ‘આપ’ની નીતિની આકરી ટીકા કરી રહ્યા છે…

ત્યારે ગુજરાત સરકારે આમ જનતાને તો નહીં પણ ધારાસભ્યો તેમજ તેમના પરિવારજનોને સારવાર ‘મફત’માં આપવાની જાહેરાત કરી રેવડી નહીં પણ રેવડાનો ગાંગડો આપી દીધો છે…

સામાન્ય જનતાને સરકારી ધોરણે સારવારની સહાય મેળવવામાં નાકે દમ આવી જાય છે, ત્યારે સરકાર દ્વારા ધારાસભ્યો કે તેના પરિવારજનને સારવારનો ખર્ચ રૃપિયા પંદર લાખથી વધુ હોય તેવા કિસ્સામાં સરકાર દ્વારા તાબડતોબ રૃપિયા પંદર લાખ ચૂકવી દેવા આરોગ્ય વિભાગે આદેશ કર્યો છે.

અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, વર્ષ ર૦૧પ ના રાજ્ય સેવા તબીબી સારવારના નિયમો હેઠળ અધિકારીઓની જેમજ ધારાસભ્યોને પણ વર્ષ ર૦૧૬ થી ખાનગી હોસ્પિટલોમાં થયેલા મેડિકલ ખર્ચ પરત મેળવવાની પ્રક્રિયા અમલમાં હતી. જેમાં મંજુરીથી લઈને ચૂકવણા સહિતની પ્રક્રિયા પારદર્શક હતી. તેમ છતાં આ પ્રક્રિયામાંથી ધારાસભ્યોને બાકાત કરી દેવાયા છે. અર્થાત્ કોઈપણ જાતની ચકાસણી કે તપાસ કર્યા વગર મેડિકલ રીઅમ્બર્સમેન્ટ આપી દેવાનું!

ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જે નવો ઠરાવ થયો છે તેમાં ધારાસભ્ય અને તેના પરિવારને મેડિકલ સારવાર માટેનો રૃપિયા બે લાખનો ખર્ચ સચિવ સ્તરે મંજુર કરાશે. રૃપિયા ચાર લાખ સુધીનો ખર્ચ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવની મંજુરી પછી સરકારના સંબંધિત વિભાગ દ્વારા તેનું ચૂકવણી થશે. ૧૦ લાખ સુધીના બીલ અંગે આરોગ્ય મંત્રી અને દસ લાખથી વધુના બીલ મુખ્યમંત્રી સ્તરેથી મંજુર કરવામાં આવશે. રૃપિયા પંદર લાખથી વધુના સારવાર ખર્ચમાં પ્રાઈવેટ હોસ્પિટલના અધિકૃત ડોક્ટરની સહી સાથેનું બીલ ચીફ ડિસ્ટ્રીક્ટ મેડિકલ ઓફિસર પ્રમાણિત કરે એટલે સરકારના વિધાનસભાના સચિવ દ્વારા તાકીદની અસરથી રૃપિયા ૧પ લાખ ચૂકવી દ્યે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.