ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલાયા, તાપી નદીમાં 1,81,576 ક્યુસેક પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં ડેમ પ્રશાસન દ્વારા ડેમના 22 દરવાજામાંથી 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરાઈ છે. જેમાં ડેમમાંથી હાલ 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1,81,576 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

હાલ ડેમના ઉપરવાસમાંથી 2,24,935 ક્યુસેક પાણી આવી રહ્યું છે. ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ ડેમ સપાટી 334.56 છે જ્યારે ડેમનું રૂલ લેવલ 335 છે. રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-207 જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા 25,266 એમસીએમ છે તેની સામે અત્યાર સુધીમાં 17,395 mcm પાણી જળાશયોમાં આવ્યું છે એટલે કે 69 ટકા જેટલું પાણી આ જળાશયોમાં છે. પાણીનો આ આવરો પાછલા 13 વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની તા.10મી ઓગસ્ટ કરતાં 21 ટકા વધારે છે. રાજ્યના જળાશયોની વિસ્તાર પ્રમાણે સમીક્ષા કરતાં જણાવવામાં આવ્યું કે, કચ્છ પ્રદેશમાં 20 મધ્યમ અને 170 નાની સિંચાઇ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ 70 ટકા પાણી છે.

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં તા.10મી ઓગસ્ટ-2022 ની સ્થિતીએ 63 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 74 ટકા, મધ્યમ ગુજરાતના 17 જળાશયોમાં 44 ટકા તેમજ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 31 ટકા પાણી છે. સરદાર સરોવર પ્રોજેક્ટ સિવાયના જે 206 જળાશયો છે તેમાંથી 100 ટકા ભરાઇ ગયા હોય તેવા 69, 80 થી 90 ટકા ભરાઇ ગયા હોય તેવા 12, 70 થી 80 ટકા સુધીના 10 તેમજ 50 થી 70 ટકા સુધીના 35 અને 50 ટકા સુધીના 41 જળાશયોનો સમાવેશ થાય છે.

રાજ્યના જે 73 જળાશયોમાંથી પીવા માટે પાણી લેવામાં આવે છે તે પૈકીના 62 જળાશયોમાં આગામી ઓગસ્ટ-2023 સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં સરેરાશ 80 ટકા વરસાદ તા.10 ઓગસ્ટ સુધીમાં વરસ્યો છે. એટલું જ નહિ, રાજ્યના 33 જિલ્લાના બધા જ તાલુકાઓમાં 125 મી.મી કરતાં વધુ વરસાદ વરસી ગયો છે.