બહુ મોંઘવારી છે…પેન્સિલ-રબરના ભાવ વધ્યા, બાળાએ PM મોદીને લખ્યો પત્ર

દેશમાં વધી રહેલી મોંઘવારીને લઈને વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો છે ત્યારે સામાન્ય નાગરિક પણ મોંઘવારીથી પરેશાન થઈ ગયો છે. મોંઘવારીની સમસ્યા એ છે કે તમામ આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે. ખાવાથી લઈને વાંચન સુધીની વસ્તુઓ પણ હવે મોંઘી થઈ ગઈ છે. પેન્સિલ-રબરની વધેલી કિંમતોએ એક બાળાને એટલી પરેશાન કરી કે તેણે પોતાની વાત પીએમ મોદી સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. પીએમ મોદીને પત્ર લખીને બાળાએ ખાણી-પીણીથી લઈને વાંચન-લેખન સુધીની વસ્તુઓની વધેલી કિંમતોનો ઉલ્લેખ કર્યો છે.

કન્નૌજ જિલ્લાના છિબ્રામાઉ શહેરના મોહલ્લા બિર્ટિયા જનતા મંદિરના રહેવાસી એડવોકેટ વિશાલ દુબેની પુત્રી કૃતિ દુબે હાઉસિંગ ડેવલપમેન્ટ કોલોની સ્થિત સુપ્રભાષ એકેડમીમાં ધોરણ એકમાં અભ્યાસ કરે છે. તાજેતરમાં સરકાર દ્વારા કોપી-બુક, રબર અને પેન્સિલ પર ટેક્સ લાદવાને કારણે વધી ગયેલી મોંઘવારીથી પરેશાન વિદ્યાર્થિની કૃતિ દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મન કી બાત લખીને પત્ર મોકલ્યો છે.

પીએમને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે મારું નામ કૃતિ દુબે છે. હું ધોરણ એકમાં ભણું છું. મોદીજી તમે બહુ મોંઘવારી કરી છે. પેન્સિલ, રબર પણ મોંઘા કરી દીધા છે અને મારી મેગીના પણ ભાવ વધાર્યા છે. હવે મારી માતા મને પેન્સિલ માંગવા બદલ માર મારે છે. હું શું કરું. અન્ય બાળકો મારી પેન્સિલ ચોરી કરે છે. આ પત્રને પોસ્ટ કરી દેવામાં આવ્યો છે.