2020 પૂર્વેની સ્થિતિ જાળવી રાખવા ચીન સંમત નથી, બંને દેશોના વિદેશ મંત્રાલયો વચ્ચે વાટાઘાટો

ચીન ભારત સાથે સતત વાતચીત કરી રહ્યું છે. પરંતુ, વાટાઘાટોના ઘણા રાઉન્ડ હોવા છતાં, તે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર મે 2020 પહેલા પરિસ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે સંમત નથી. બંને દેશોના વિદેશ મંત્રાલયો વચ્ચે મંગળવારે બોર્ડર ડિસ્પ્યુટ (WMCC-વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન ઓન ઈન્ડિયા-ચાઈના બોર્ડર અફેર્સ)ના ઉકેલ માટે સ્થાપિત મિકેનિઝમની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોઈ પરિણામ આવે તેવું લાગતું નથી, પરંતુ એ વાત પર સહમતિ સધાઈ છે કે બંને દેશોના સૈન્ય કમાન્ડરોની આગેવાનીમાં આગામી વાટાઘાટો ટૂંક સમયમાં યોજવામાં આવશે.

લશ્કરી કમાન્ડરોની આ વાટાઘાટો સંભવતઃ જૂનના અંત અથવા જુલાઈની શરૂઆતમાં યોજાશે. જાણકારોના મતે ચીન દ્વારા મંત્રણાને લાંબા સમય સુધી ખેંચવા માટે રણનીતિ અપનાવવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે WMCCની બેઠક 31 મે, 2022ના રોજ યોજાઈ હતી. ભારતીય ટુકડીનું નેતૃત્વ વિદેશ મંત્રાલયમાં અધિક સચિવ (પૂર્વ એશિયા) દ્વારા કરવામાં આવ્યું હતું. ચીનની ટીમનું નેતૃત્વ ત્યાંના વિદેશ મંત્રાલયમાં બોર્ડર અને મેરીટાઈમ વિભાગના મહાનિર્દેશક દ્વારા કરવામાં આવ્યું હતું.

બંને પક્ષોએ ભારત-ચીન સરહદે સ્થિતિની સમીક્ષા કરી. WMCCની છેલ્લી બેઠક નવેમ્બર 2021માં યોજાઈ હતી. તે પછી જાન્યુઆરી 2022 અને માર્ચ 2022માં પણ બંને દેશોના સૈન્ય કમાન્ડરો વચ્ચે બેઠક થઈ હતી. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ માર્ચ 2022માં ભારતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પૂર્વી લદ્દાખમાં સરહદની સ્થિતિ પર પણ બંને પક્ષો વચ્ચે ચર્ચા થઈ છે.

માર્ચ 2022માં વાંગ યી અને જયશંકર વચ્ચેની બેઠકમાં થયેલી સર્વસંમતિના આધારે સીમા વિવાદનો ઉકેલ શોધવાના પ્રયાસો કરવામાં આવશે. એ વાત પર પણ સહમતિ સધાઈ હતી કે સીમા વિવાદનો ઝડપથી ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવશે, જેથી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય થઈ શકે. તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે સૈન્ય કમાન્ડર સ્તરની વાતચીતના 16 રાઉન્ડ યોજાયા છે.