તાલિબાને અફઘાનિસ્તાનમાં માનવાધિકાર પંચને નાબૂદ કર્યું, કહ્યું, ‘બિન-જરૂરી સંસ્થાઓ માટે કોઈ ભંડોળ નથી’

અફઘાનિસ્તાનમાં તાલિબાન અધિકારીઓએ નાણાકીય કટોકટીની સ્થિતિમાં તેને બિનજરૂરી માનીને, દેશના માનવાધિકાર આયોગ સહિત ભૂતપૂર્વ યુએસ સમર્થિત સરકારના પાંચ મુખ્ય વિભાગોને વિસર્જન કરી દીધા છે. યુએસ દ્વારા સમર્થિત ભૂતપૂર્વ અફઘાન સરકારમાં, આ પાંચ વિભાગો તેમના અધિકારક્ષેત્રને લગતી બાબતોનું સંચાલન કરતા હતા. ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા બાદ તાલિબાને શનિવારે તેમનું પ્રથમ વાર્ષિક રાષ્ટ્રીય બજેટ જાહેર કર્યું હતું.

નાણાકીય કટોકટીની સ્થિતિને કારણે તાલિબાને આ વિભાગોને વિખેરી નાખ્યા છે. શનિવારે બજેટની જાહેરાત કરતા તાલિબાનના અધિકારીઓએ કહ્યું કે અફઘાનિસ્તાન આ નાણાકીય વર્ષમાં $501 મિલિયન એટલે કે લગભગ 38 અબજ રૂપિયાની બજેટ ખાધનો સામનો કરી રહ્યું છે. તાલિબાન સરકાર કહે છે કે તેની પાસે ભંડોળની અછત છે. આવી સ્થિતિમાં, આ વિભાગોને ચલાવવાનું સરળ રહેશે નહીં.

તાલિબાને માનવ અધિકાર પંચ જેવા વિભાગને પણ બિનજરૂરી ગણાવ્યો છે. તાલિબાન સરકારના નાયબ પ્રવક્તા ઇન્નામુલ્લા સામંગાનીએ જણાવ્યું હતું કે, “કારણ કે આ વિભાગો આવશ્યક નથી અને બજેટમાં સામેલ નહોતા, તેથી તેઓને વિસર્જન કરવામાં આવ્યા છે.” આ ઉપરાંત, તાલિબાને રાષ્ટ્રીય સમાધાન માટે ઉચ્ચ પરિષદ (HCNR), રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ અને અફઘાનિસ્તાનના બંધારણના અમલીકરણની દેખરેખ રાખતા કમિશનને નાબૂદ કરી દીધું.

HCNRનું નેતૃત્વ અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ અબ્દુલ્લા અબ્દુલ્લા કરી રહ્યા હતા. આ સંગઠન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની યુએસ સમર્થિત સરકાર અને તત્કાલીન વિદ્રોહી તાલિબાન વચ્ચે શાંતિ મંત્રણા માટે કામ કરી રહ્યું હતું. 20 વર્ષ બાદ 2021માં અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાનમાંથી પાછા હટી ગયા, ત્યારબાદ ઓગસ્ટમાં તાલિબાનો દ્વારા દેશ પર કબજો કરવામાં આવ્યો. તાલિબાન સરકારે અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા પછી પ્રથમ વખત તેનું બજેટ રજૂ કર્યું છે અને ઘણી સંસ્થાઓ માટે ભંડોળમાં કાપ મૂક્યો છે.

નાયબ પ્રવક્તા ઇન્નામુલ્લા સામંગાનીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય બજેટ “વસ્તુલક્ષી તથ્યો પર આધારિત” હતું અને તે માત્ર એવા વિભાગો માટે જ હતું જે સક્રિય અને ઉત્પાદક હતા. તાલિબાનનું કહેવું છે કે અમે જરૂરી ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે બજેટ રજૂ કર્યું છે. જો કે, તાલિબાને કહ્યું કે જો આગામી સમયમાં આ વિભાગોની જરૂર પડશે તો તેને ફરીથી શરૂ કરી શકાય છે.