IIFA Awards 2022: અબુધાબીમાં આયોજિત IIFA એવોર્ડ સમારોહ મોકૂફ, આ છે કારણ

22મો ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (આઈફા) એવોર્ડ સમારંભ મુલતવી રાખવામાં આવ્યો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના અવસાન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અબુ ધાબીમાં થવાનો હતો. IIFAના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પરથી UAEના રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. અગાઉ આઈફા એવોર્ડ સમારોહ માર્ચમાં યોજાવાનો હતો, પરંતુ કોરોનાને લઈને સાવચેતી રાખીને તારીખો આગળ વધારવામાં આવી હતી.

20 અને 21 મેના રોજ એવોર્ડ સમારોહ યોજાવાનો હતો. હવે આ ઈવેન્ટ 14, 15 અને 16 જુલાઈએ અબુ ધાબીમાં થશે. આઈફાએ રાષ્ટ્રપતિના નિધન પર ટ્વીટ કર્યું કે ‘સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ હિઝ હાઈનેસ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન પર દુઃખ છે. અમે તેમના પરિવાર અને સંયુક્ત આરબ અમીરાતના લોકો સાથે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભગવાન તેમને શાંતિ આપે.

40 દિવસનો રાષ્ટ્રીય શોક

UAE ના રાષ્ટ્રપતિનું શુક્રવારે નિધન થયું. 73 વર્ષીય શેખ ખલીફાના નિધન પર વિશ્વભરના લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ અનુસાર તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના નિધન પર UAEમાં 40 દિવસની રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી છે.

આ સ્ટાર્સ પરફોર્મ કરવાના છે

તમને જણાવી દઈએ કે આઈફા બોલિવૂડ માટે એક મોટો એવોર્ડ સમારોહ છે. જ્યાં તમામ દિગ્ગજ સ્ટાર્સ સ્ટેજ પર પરફોર્મન્સ આપે છે. આ વખતે ઈવેન્ટમાં સલમાન ખાન, રણવીર સિંહ, કાર્તિક આર્યન, સારા અલી ખાન અને અન્ય કલાકારો પરફોર્મ કરવાના છે. જો કે, જેમ જેમ તારીખો આગળ વધશે તેમ તેમ તેઓએ તેમના સમયપત્રકમાંથી સમય કાઢવો પડશે.