કેનેડા બોર્ડર ક્રોસ મામલો: ઠંડીમાં થીજી જઈ મોતને ભેટેલો પરિવાર ગુજરાતી, ગાંધીનગરનો હોવાનું ખૂલ્યું

કેનેડા-અમેરિકા બોર્ડરને ક્રોસ કરતી વખતે ઠંડીમાં થીજી જવાના કારણે ચાર ભારતીયોનાં મોતના પગલે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો એક્શનમાં આવી ગયા છે. જ્યારે મૃતક પરિવાર ગુજરાતી હોવાનું ખૂલવા પામ્યું છે. આ ગુજરાતી પરિવાર ઝીરો ટેમ્પ્રેચરમાં બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

કરુણ ઘટનામાં નવજાત બાળક સહિત ચારનાં મોત થયા હતા. અહેવાલ મુજબ આ પરિવાર ગાંધીનગરના નાનકડા ગામનો હોવાનું માનવામાં આવે છે. અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે યુએસ સત્તાવાળાઓ દ્વારા અન્ય સાત લોકોની અટકાયત કરવામાં આવી છે.

એ નોંધવું જોઈએ કે મૃત્યુ પામેલા લોકોની ઓળખ અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી. દરમિયાન, ગાંધીનગર જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યને મીડિયા આઉટલેટ દ્વારા ટાંકવામાં આવ્યું હતું કે: “આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે જેની અમને ફક્ત મીડિયા દ્વારા જ જાણ થઈ અને હજુ સુધી કોઈ સત્તાવાર સંદેશાવ્યવહાર નથી. જોવિદેશ મંત્રાલય તરફથી કોઈ સંદેશાવ્યવહાર હશે તો અમે ચોક્કસપણે પુરો સહયોગ આપીશું.

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા 21 જાન્યુઆરીએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, “કેનેડા-યુએસ બોર્ડર પર નવજાત શિશુ સહિત ચાર ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યો હોવાના અહેવાલથી આઘાત લાગ્યો છે. યુએસમાં અમારા રાજદૂતો પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

બીજી તરફ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 21 જાન્યુઆરીએ કહ્યું હતું કે તેમની સરકાર યુએસ સરહદ પારથી લોકોની દાણચોરીને રોકવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

ટ્રુડોએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ એકદમ આઘાતજનક ઘટના છે. માનવ તસ્કરોનો ભોગ બનેલા અને વધુ સારું જીવન બનાવવાની તેમની ઈચ્છાનો લાભ લેનારા લોકોના પરિવારને આ રીતે મૃત્યુ પામતા જોવું ખૂબ જ દુ:ખદ છે.

દરમિયાન, યુ.એસ. મિનેસોટાની સરહદથી થોડાક યાર્ડ ઉત્તરમાં મેનિટોબા પ્રાંતમાં આ ઘટનાની જાણ થયા પછી સત્તાવાળાઓએ  યુએસના શખ્સ પર માનવ તસ્કરીનો આરોપ મૂક્યો છે અને કાર્યવાહી કરી છે.