અંતરીક્ષમાંથી ધરતી તરફ આગળ આવી રહ્યું છે સૌર તોફાનઃ વાયુમંડલીય ક્ષેત્રમાં અથડાઈ શકે

એક સૌર તોફાન ખૂબ જ ઝડપથી અંતરીક્ષમાંથી ધરતી તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાન આગામી થોડા કલાકોમાં ધરતીના વાયુમંડલીય ક્ષેત્ર સાથે અથડાઈ શકે છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ તોફાન સૂરજની સપાટી પર વિસ્ફોટ બાદ પેદા થયું છે અને તેની ઝડપ ખૂબ જ તેજ છે. વૈજ્ઞાનિકોના મતે આ તોફાનથી સેટેલાઈટ સિગ્નલ્સમાં અડચણ આવી શકે છે. આ કારણે વિમાનોની ઉડાન, રેડિયો સિગ્નલ, કોમ્યુનિકેશન અને હવામાન પર પણ તેની અસર જોવા મળી શકે છે.

નિષ્ણાતોના મતે આ સૌર તોફાનની સ્પીડ ૧,૨૬૦ કિમી પ્રતિ સેકન્ડની છે. વૈજ્ઞાનિકોના મતે આ સૌર તોફાન શનિવારે કે રવિવારે કોઈ પણ સમયે પૃથ્વી સાથે અથડાઈ શકે છે. તોફાન ધરતી પર પહોંચે તે પહેલા જ અમેરિકાના એક હિસ્સામાં કામચલાઉ રીતે રેડિયો સિગ્નલ બ્લેકઆઉટ થઈ ગયા છે.

આ સૌર તોફાન તેમની રીતના સૌથી શક્તિશાળી એકસ ૧-કલાસ સોલર ફલેયર તરીકે ઓળખાય છે. નાસાના અધિકારીઓએ તેને મહત્ત્વપૂર્ણ સોલર ફલેયર ઠેરવ્યું છે. આ સૌર તોફાનને અંતરિક્ષ એજન્સીના સોલાર ડાયનેમિકસ ઓબ્ઝર્વેટરીના રિયલ ટાઈમ વીડિયોમાં પણ કેપ્ચર કરવામાં આવ્યું છે.

સોલાર ફલેયરની સૌથી શક્તિશાળી શ્રેણી એકસ કલાસ તરીકે ઓળખાય છે. ત્યારબાદ તાકાતના ઘટતા ક્રમમાં તે એમ, સી,બી અને એ કલાસના નામથી ઓળખાય છે. આ સૌર તોફાનના કારણે ૩૦ ઓકટોબરના રોજ અમેરિકામાં ઉજવાતા હેલોવીન તહેવારને અસર પડી શકે છે.