જૂથવાદ અને ગોડફાધરીયા કલ્ચરમાં રાચતી કોંગ્રેસની મુસ્લિમ નેતાગીરીએ મુસ્લિમ કાર્યકરોને રઝળતા છોડી દીધા

કોંગ્રેસમાં જૂથવાદનો અજગરી ભરડો પરંપરાગત રીતે ચાલતો આવ્યો છે. રાહુલ ગાંધીની જાહેરાતોને નિષ્ફળ બનાવતી રહેલી સિનિયર નેતાગીરી માટે ગુજરાતમાં આપ અને મીમની એન્ટ્રી રઘવાટ જન્મવી જાય તેવી બની છે.

ગુજરાતના મુસ્લિમો કોંગ્રેસની કમિટેડ વોટબેંક ગણાય છે. પરંતુ ઔવૈસી મીમ અને કેજરીવાલની આપની ગુજરાત એન્ટ્રી બાદ ગુજરાતના મુસ્લિમોને ઝોક તેમની તરફ વળી રહ્યો છે. આને કોંગ્રેસની મુસ્લિમ નેતાગીરી હજ પણ અંધારામાં ફાંફા મારતી જોવા મળી રહી છે. ખાસ કરીને જૂથવાદ અને ગોડફાધરીયા કલ્ચરમાં રાચતી કોંગ્રેસની મુસ્લિમ નેતાગીરીએ મુસ્લિમ કાર્યકરોને રઝળતા કરીને તરછોડી દીધા છે. આના પરિણામે કોંગ્રેસના મુસ્લિમ કાર્યકરો મનમાં આવે તેવી રીતે મીમ અને આપ તરફ દોડી રહ્યા છે.

ગુજરાતની મુસ્લિમ નેતાગીરી દિશાવિહિન જોવા મળી રહી છે. ઔવેસીની પાર્ટીની એન્ટ્રી થતાં ગુજરાતના રાજકારણમાં ધર્મ આધારિત રાજનીતિની શક્યતા વધી ગઈ છે. આવી સ્થિતિમાં રાજ્યની 30 કરતાં વધુ બેઠકો પર સાઈઝેબલ સ્ટેન્ડ ધરાવતા મુસ્લિમ મતદારો અવઢવમાં મૂકાઈ ગયા છે. ખાસ કરીને કોંગ્રેસની મુસ્લિમ નેતાગીરી પોતાના ઘરને સાચવી રહી ન હોવાની લાગણી કોંગ્રેસના મુસ્લિમ કાર્યકરોમાં જોવા મળી રહી છે અને આ જ કારણ છે કે મીમ અને આપ તરફ મુસ્લિમોનો ગાડરીયો પ્રવાહ જોવા મળી રહ્યો છે.

પોરબંદરથી લઈને વાપી સુધીના કાર્યકરોમાં અરાજક્તા સાથે નિરાશા અને હતાશા છે અને કોંગ્રેસની નેતાગીરી કાર્યકોરમાં પ્રાણ સંચાર કરવા આયોજન કરી રહી નથી અને ચૂંટણીની આગવી તૈયારી કરી રહી ન હોવાની બૂમરાણ પણ સંભળાઈ રહી છે. આવી લાગણી પાછળનું કારણ એ પણ છે કે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કક્ષાએ નેતૃત્વના શૂન્યવકાશનો સામનો કરી રહી છે. જોઈએ હવે કોંગ્રેસ પોતાના કાર્યકરોને સાચવવા જૂથવાદ અને ગોડફાદરીયા કલ્ચરને કેવી રીતે માત આપે છે.