ગુજરાતનું નવું મંત્રીમંડળ લઈ શકે છે 16 સપ્ટેમ્બરે શપથઃ બેઠકોનો દોર

ગુજરાતને નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ મળી ગયા છે. હવે નવા મંત્રી મંડળની રચનાને લઈ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આજે સી.આર. પાટીલના નિવાસસ્થાને બેઠકનો દોર ચાલુ છે. અલગ અલગ ધારાસભ્યો સાથે પાટીલ વન ટુ વન બેઠક કરી રહ્યા છે.

સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, ૧૬ સપ્ટેમ્બરે નવું મંત્રી મંડળ શપથ લઈ શકે છે. જેના કારણે ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. આવતીકાલથી તમામ એમએલએ ગાંધીનગરમાં હાજર રહેવા ફરમાન પણ કરી દેવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર યાદવ પણ આજે એક બેઠક કરી શકે છે. જેના કારણે આજે નેતાઓ સાથે વ્યક્તિગત બેઠક સંભવ બની શકે છે. નવા મંત્રી મંડળની રચનાને લઈ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની નિવાસસ્થાને અલગ અલગ ધારાસભ્યોની મિટિંગ ચાલી રહી છે. જેમાં હિંમતગનરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, ધારાસભ્ય અરૃણસિંહ, નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને મહુવાના ધારાસભ્ય મોહન ઢુડિયા મળ્યા છે. પાટીલના નિવાસસ્થાને મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને રજની પટેલ પણ હાજર છે.

રાજભવનમાં સોમવારે નવા મુખ્યમંત્રીની શપથવિધિ પછી બપોરે સાડાત્રણેક વાગ્યે ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી અમદાવાદમાં થલતેજ સ્થિત પોતાના નિવાસસ્થાને પહોંચી ગયા હતાં, જ્યાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીમંડળની ચીઠ્ઠી તૈયાર કર્યાનું જાણવા મળી રહ્યું છે. આથી ગાંધીનગરમાં ત્રણેક દિવસમાં ફરીથી રાજ્યપાલ દ્વારા મંત્રીઓની શપથવિધિનો કાર્યક્રમ યોજાશે.

જાણવા મળી રહ્યું છે કે, અમિત શાહ દિલ્હી જતા પહેલા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે સાંજે સાતેક વાગ્યાની આસપાસ અમિત શાહના નિવાસસ્થાને આવ્યા હતાં. ગૃહમંત્રી અમિત શાહ મોડી રાતે ૯-૩૦ કલાકે એરપોર્ટ જવા નિકળ્યા હતાં, જો કે તેમણે રસ્તામાં અચાનક જ શાહિબાગ સર્કિટ હાઉસમાં રોકાણ કર્યું હતું, જ્યાં તેમણે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિત રાષ્ટ્રીય નેતા સાથે બંધબારણે બેઠક કરી હતી. જેમાં રૃપાણી સરકારમાંથી પડતા મૂકવામાં આવનાર મંત્રીઓને સમજાવટથી લઈને નવી સરકારના મંત્રીઓ સંદર્ભે સૂચનાઓ આપ્યાનું જાણવા મળ્યું છે.