ચીનની મોટી કંપનીઓના શેરમાં માત્ર સાત મહિનામાં સાત લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વમાં સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીએ સમાજવાદનો માર્ગ અપનાવી લીધો છે. જિનપિંગે માઓ જેદાંગનો દરેકની સમૃદ્ધિનો નારો સ્વીકારી લીધો છે. તેમણે ગયા મહિને પક્ષની આર્થિક બાબતોની સમિતિમાં કહ્યું કે લોકસમૃદ્ધિ સમાજવાદની જરૂરિયાત અને ચીનના આધુનિકીકરણનું મુખ્ય તત્વ છે.

આ અગાઉ સરકારે મોટી કંપનીઓનું કાંડું મરોડવાનું શરૂ કરી દીધું હતું. ટેક્નોલોજી, રિયલ એસ્ટેટ, પ્રાઇવેટ ટ્યુશન અને વીડિયોગેમ કંપનીઓ સામેની કડકાઇની અસર દિગ્ગજ કંપનીઓના બજારમૂલ્ય પર પડી છે. ફેબ્રુ.થી અત્યાર સુધીમાં ચીનની મોટી કંપનીઓના શેરના ભાવમાં સાત લાખ કરોડ રૂપિયાથી વધુ ધોવાણ થયું છે.

સરકારી અખબાર પીપલ્સ ડેઇલીના જણાવ્યાનુસાર મધ્યમ વર્ગનું વિસ્તરણ, ઓછી આવકવાળા લોકોની આવકમાં વૃદ્ધિ, વધુ આવકને વ્યવસ્થિત કરવી અને ગેરકાયદે આવક પર પ્રતિબંધ લાદવા સાથે વધુ સમાન ચાઇનીઝ સમાજના નિર્માણનું લક્ષ્ય છે. સ્વાભાવિક છે કે કોમ્યુનિસ્ટ સરકાર મોટી કંપનીઓને દાબમાં રાખવા માગે છે.

બેજિંગ કેપિટલ નોર્મલ યુનિ.ના એસોસિયેટ પ્રોફેસર ડેવિડ મોજર કહે છે કે આ અબજપતિ અને ટેક્નોલોજી કંપનીઓ કોમ્યુનિસ્ટ પાર્ટી માટે જોખમ ઊભું કરી શકે તેમ હતી. તેમને સામાજિક અને રાજકીય તાકાતના વિકલ્પરૂપે જોવાતી હતી.

મોટી કંપનીઓની ચિંતા દૂર કરવા પીપલ્સ ડેઇલીએ બુધવારે લખ્યું કે નિયામક કાર્યવાહીનો ઉદ્દેશ બિઝનેસને નુકસાન પહોંચાડવાનો નથી. દેશમાં ખાનગી ક્ષેત્રની હેસિયત અગાઉ જેવી જ રહેશે પણ એ વાતનો ઇનકાર ન કરી શકાય કે સુધારાવાદી નેતા ડેંગ સ્યાઓ પિંગે ૧૯૭૦ના દાયકામાં કરેલા બજારવાદી સુધારા પછીનું આ સૌથી મોટું સામાજિક-આર્થિક પરિવર્તન હશે.

એવું લાગે છે કે ચીની અબજપતિઓએ સરકારના લોકસમૃદ્ધિના મંત્રનો અર્થ સમજી લીધો છે. ગુરુવારે જેક માની ઇ-કોમર્સ કંપની અલીબાબાએ લોકસમૃદ્ધિના કાર્યક્રમો માટે ૨૦૨૫ સુધીમાં ૧.૧૩ લાખ કરોડ રૂ. આપવાનું વચન આપ્યું છે. આ અગાઉ ટેનસેન્ટ, પિનડુઓડુઓ, શાઓમી અને મીટુઆન વિવિધ સામાજિક યોજનાઓ માટે ભંડોળ આપી ચૂકી છે.

નિયામકોએ ૨૦ હજાર કરોડ રૂપિયાનો દંડ ફટકારતાં અને કંપનીની ફાઇનાન્સ કંપની એન્ટનો ૨.૭૨ લાખ કરોડ રૂપિયાનો આઇપીઓ રદ કરાયા બાદ અલીબાબા પર સૌની નજર છે. રાજકીય હવા પારખીને ચીનના ઘણાં અબજપતિઓ છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન બોર્ડરૂમમાંથી ખસી ચૂક્યા છે. બાઇટડાન્સના ઝાંગ યિમિંગ, જેડી ડોટ કોમના રિચર્ડ લિયૂ અને પિનડુઓડુઓના કોલિન હુઆંગ પડદા પાછળ જતા રહ્યા છે.

કોમ્યુનિસ્ટ પાર્ટીના એક અધિકારીએ કહ્યું કે બધાની સમૃદ્ધિનો અર્થ ગરીબોની મદદ માટે ધનિકોનો ખાતમો કરવો નથી પણ એવી અફવા છે કે સરકાર સમાજમાં સમાનતા માટે સંપત્તિ, વારસા અને મૂડીલાભ વેરો લાદી શકે છે. ક્રેડિટ સ્યૂસના કહેવા મુજબ દેશના સર્વોચ્ચ ૧% લોકો પાસે ૩૧% સંપત્તિ છે, જે ૨૦ વર્ષ અગાઉ ૨૧% હતી. ઇન્ટરનેટ કંપનીઓ પરનો ૧૦% ટેક્સ વધારીને
અન્ય કંપનીઓની માફક ૨૫% કરાય તેવી શક્યતા છે.