પટેલના પ્રધાનમંડળમાં રૂપાણીના પ્રધાનોના પત્તા કપાશે: નવા ચહેરાઓને આગળ કરાશે

ગુજરાતના નવા મુખ્ય પ્રધાન તરીકે સોમવારે શપથ લેનારાં ભૂપેન્દ્ર પટેલનાં નવા પ્રધાનમંડળમાં રૂપાણી સરકારના અનેક સિનિયર પ્રધાનોના પત્તા કાપીને નવાં ચહેરાને સ્થાન આપવામાં આવશે.
ગુજરાતના મંત્રીમંડળના મોટા અને ધરખમ ફેરફારો થવાની શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે.  ૫૦ ટકાથી વધુ નવા ચહેરા નવી કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.

કેન્દ્રીય પ્રધાન મંડળમાં ૪૫ વર્ષ કે તેથી ઓછી વયના ૬ યુવા નેતાઓને પણ  પ્રધાન બનાવવામાં આવ્યા હતા એવી જ રીતે  ગુજરાતમાં પણ તેનો અમલ કરવામાં આવશે. પાર્ટી સંગઠનનો અભિપ્રાય, સંઘનો અભિપ્રાય, પ્રાઈવેટ એજન્સીનો સર્વે ઉપરાંત ઘણા એવા સોર્સ હોય છે, જેના તારણ આવ્યા બાદ બદલાવ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં  પ્રધાન મંડળમાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. જેમાં અનેક નેતાઓનું પત્તુ કપાઈ શકે છે.

દરમિયાન કમલમમાં પહોંચી રહેલા ધારાસભ્યો વચ્ચે કાનાફૂસી શરૂ થઈ ગઈ હતી કે, આખરે કોનુ પત્તુ કપાશે, અને કયા નવા ચહેરાને સ્થાન મળશે. એટલું જ નહીં મુખ્ય પ્રધાનપદે નવો ચહેરો પસંદ કરવામાં આવ્યો હોવાથી હવે પ્રધાનોમાં પણ મોટી સંખ્યામાં નવા ચહેરાઓને જ પસંદ કરવામાં આવશે.