હવે પછી શું? કોંગ્રેસ છોડી ભાજપ સરકારમાં મંત્રી,ચેરમેન અને ધારાસભ્ય બનેલા તમામનાં શ્વાસ અદ્વર

ગુજરાત ભાજપમાં નેતૃત્વ પરિવર્તનની આંધી ફૂંકાઈ છે. પ્રથમ સંગઠનમાં પ્રદેશ પ્રમુખથી લઈ મોટાપાયા પર ફેરફાર કરવામાં આવ્યા અને હવે સમૂળગી રીતે સરકારમાં મોટું પરિવર્તન કરવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલાં ભાજપ દ્વારા ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે તો તેમાં હવે કોંગ્રેસ છોડી ભાજપ ગયા બાદ મંત્રી અને ધારાસભ્ય બનેલા નેતાઓમાં છૂપો ફફડાટ જોવા મળી રહ્યો છે.

શરુઆતમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જવાની શરુઆત શંકરસિંહ વાઘેલાના વફાદારો દ્વારા કરવામાં આવી હતી. સાગમટે એક પછી એક ધારાસભ્યોએ સીધા રાજીનામા આપી દીધા, પણ નસીબના બળીયા એવા અહેમદ પટેલ રાજ્યસભાની ચૂંટણી જીતી ગયા હતા. તે સમયે શંકરસિંહ વાઘેલાની સાથે રાઘવજી પટેલ, સીકે રાઉલજી, અમિત ચૌધરી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કરમસિંહ પટેલ, ભોળાભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા સહિત સાત ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. આમાંથી રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સીકે રાઉલજી ફરીથી ધારાસભ્ય બન્યા હતા.

કોંગ્રેસમાંથી ભાજપમાં જવાના બીજા સ્પેલમાં જીતુ ચૌધરી (કપરાડા), બ્રિજેશ મેરજા (મોરબી), જેવી કાકડીયા (ધારી), અક્ષય પટેલ (કરજણ) અને પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા)ના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આશા પટેલ અને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું રાજીનામાનું પ્રકરણ સાવ અલગ છે.આશા પટેલ હાલ ધારાસભ્ય છે. લટકામાં અહેમદ પટેલ સામે ચૂંટણી લડેલા બલવંતસિંહ રાજપૂત પણ આજે ભાજપમાં છે. બલવંતસિંહ હાલ જીઆઈડીસીના ચેરમેન છે.

આ તમામ પૂર્વ કોંગ્રેસીઓના શ્વાસ હાલ અદ્વર થઈ ગયા છે. કેટલાક કોંગ્રેસીઓ ફૂલીને ફાળકા થઈ રહ્યા છે કે હવે આ લોકો માટે સ્થિતિ વિપરીત બની રહેવાની છે તો ભાજપના સૂત્રો કહી રહ્યા છે કે તેઓ જ્યાં છે ત્યાં જ રહેશે તેમની પોઝીશનમાં કોઈ ફેરફારની શક્યતા નહિંવત છે.

2017માં ભાજપ 99 સીટ જીતી અને સરકારને સલામત કરવા ભાજપની વહારે કોંગ્રેસના ધારાસભ્યો આવ્યા આ આંકડો હાલ 112 પર છે જ્યારે કોંગ્રેસ 82 પર ઘટીને 66 પર આવી ગઈ છે. બે બીટીપી, એક એનસીપી અને એક અપક્ષ(જિજ્ઞેશ મેવાણી) સાથેની વિધાનસભા છે.