ગુજરાત મુખ્યમંત્રીની પસંદગી: PM મોદીએ ફરી એક વાર તમામને ચોંકાવી દીધા, ભાજપમાં સ્તબ્ધતા

વડાપ્રધાન મોદી નિર્ણયો લેવામાં બધાને ચોંકાવી નાંખે છે. કર્ણાટક હોય કે ઉત્તરાખંડ, પીએમ મોદીએ જે કંઈ પણ નિર્ણયો કર્યા તે આખા દેશ માટે ચોંકવાનારા બન્યા છે. હવે ગુજરાતમાં મુખ્યમંત્રીની પસંદગી કરીને પીએ મોદીએ ફરી એક વાર ભાજપ સહિત તમામને સજ્જડ રીતે ચોંકાવી દીધા છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અમદાવાદની ઘાલોડીયા વિધાનસભાના ધારાસભ્ય અને આનંદીબેન પટેલની સૌથી નજીક મનાતા એવા સિનિયર નેતા ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલનું નામ ક્યાંય પણ ચર્ચામાં ન હતું. મોટાભાગના મીડિયા હાઉસ દ્વારા નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રુપાલા, આરસી ફળદુ સહિતના નેતાઓના નામની જબરદસ્ત ચર્ચા ગઈકાલથી કરવામાં આવી રહી હતી. પણ છેવટે પરબીડીયામાંથી ભૂપેન્દ્ર પટેલનું નામ બહાર નીકળ્યું છે.

પીએમ મોદીની પોલિટીકલ ડિસીઝન લેવાની આ જ લાક્ષણિક્તા છે કે તેઓ કોઈને પણ અંત સુધી કળવા દેતા નથી કે હવે પછી શું નિર્ણય કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરીને પીએમ મોદીએ ગુજરાતીઓને ચોંકાવ્યા છે તો ફરી એક વાર ગુજરાતની ગાદી પર અમદાવાદી માણસ બિરાજમાન થશે.