CM ઈન વેઈટીંગ: ફરી એક વાર નીતિન પટેલ અને મુખ્યમંત્રીપદ વચ્ચે હોઠ અને પ્યાલાનું અંતર રહી ગયું

રાજકારણમાં વેઈટ અેન્ડ વોચ કરવાની બાબત પરંપરાગત રીતે ચાલી આવી છે. અેવા અનેક નેતાઓ છે કે પીએમ ઈન વેઈટીંગ કે સીએમ ઈન વેઈટીંગના ટેગ સાથે જ સ્વર્ગીય થયા અથવા તો રાજકારણમાંથી હાંસીયામાં ધકેલાઈ ગયા અથવા તો નિવૃત્ત થયા.

ગુજરાતના આવા જ એક નેતાની વાત કરવી છે. ઠેઠ કેશુભાઈ પટેલ સરકારનાં સમયથી ગાંધીનગરમાં મંત્રી અને છેક ડેપ્યુટી સીએમ તરીકે પહોંચેલા નીતિન પટેલ માટે બની છે. આજથી સાત વર્ષ પહેલા એટલે કે 2016માં જ્યારે આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલના નામની ચર્ચા જોરશોરથી ચાલી હતી. પરંતુ પરબીડીયામાંથી વિજય રુપાણીનું નામ ખૂલ્યું હતું અને નીતિન પટેલની મુખ્યમંત્રી બનવાની ઈચ્છા અધુરી રહી ગઈ હતી.

ત્યાર બાદ નીતિન પટેલે મંત્રી મંડળમાં મહત્વના ખાતા માટે રિસામણ કર્યા અને બાદમા મનામણા થયા, એ એપિસોડથી આખું ગુજરાત પરિચિત છે.

હવે 2021માં વિજય રુપાણીએ રાજીનામું આપ્યું તો ફરી એક વાર નીતિન પટેલનું જોરશોરથી ગાજ્યું પણ જ્યારે ભાજપ ધારાસભા પક્ષની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો તો નીતિન પટેલની ઈચ્છા ફરી એક વાર અધુરી રહી ગઈ છે. સીએમ ઈન વેઈટીંગનો ટેગ હવે નીતિન પટેલની પાછળ લાગ્યો હોવાનું ભાજપના સૂત્રો કહી રહ્યા છે.