ભવાનીપુરનો જંગ: મમતાએ નોંધાવી ઉમેદવારી, આ ઉમેદવારો સામે થશે મુકાબલો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પેટાચૂંટણીમાં મમતા ભવાનીપુર બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર છે. શુક્રવારે બપોરે 2.15 વાગ્યાની આસપાસ તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે પાર્ટીના અન્ય સાથીઓ પણ હાજર હતા. જણાવી દઈએ કે ભવાનીપુર સાથે જંગીપુર અને સમરસગંજમાં પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. અહીં 30 સપ્ટેમ્બરે મતદાન થશે, જ્યારે મત ગણતરી 30 ઓક્ટોબરે થશે.

ઉલ્લેખનીય છે કે, ભવાનીપુર મમતા બેનર્જીની પરંપરાગત બેઠક રહી છે. અહીં તેમણે 2011 અને 2016 માં ચૂંટણી જીતી છે. સાથે જ ભારતીય જનતા પાર્ટી અને CPIM એ મમતા સામે ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ સાથે જ કોંગ્રેસ પાર્ટીએ મમતા સામે પોતાનો ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય કર્યો છે.

પ્રિયંકા ટીબરીવાલ ભારતીય જનતા પાર્ટી વતી ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પ્રિયંકા ટીબરીવાલ ભાજપના નેતા બાબુલ સુપ્રિયોની કાનૂની સલાહકાર રહ્યા છે. તેઓ ઓગસ્ટ 2014માં ભાજપમાં જોડાયા હતા. બીજી તરફ સીપીઆઈ-એમએ આ બેઠક પરથી મમતા સામે શ્રીજીબ બિસ્વાસને ટિકિટ આપી છે.

મમતા બેનર્જી માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનવા માટે આ પેટાચૂંટણી જીતવી ખૂબ જ જરૂરી છે. મે મહિનામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં તેમને નંદીગ્રામ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી પણ, તે સીએમ બન્યા. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી બન્યાના 6 મહિનાની અંદર તેમના માટે ધારાસભ્ય બનવું જરૂરી છે. એટલા માટે ભવાનીપુરની ચૂંટણી મમતા બેનર્જી માટે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.