મોટી ચિંતા: સુરતમાં કોરોનાનાં એક્ટીવ કેસ ફરી વધી રહ્યા છે, 10 દિવસમાં 54 થી 74 પર પહોંચ્યો આંકડો

ગુજરાતમાંથી કોરોનાનો પ્રકોપ ધીમે ધીમે ઓસરી રહ્યો છે પણ સુરતમાં કોરોનાનાં એક્ટીવ કેસનો આંકડો ચિંતા જન્માવી રહ્યો છે. પહેલી સપ્ટેમ્બરથી લઈને આજે 10મી સપ્ટેમ્બર સુધીમાં કોરોનાનાં એક્ટીવ કેસમાં ધીમે ધીમે વધારો નોંધાયો હોવાનું જણાઈ આવી રહ્યું છે.

સુરત મહાનગરાપાલિકાના આંકડા જોઈએ તો પહેલી સપ્ટેમ્બરે સુરતમાં કોરોનાનાં એક્ટીવ કેસ 54 હતા. બીજી તારીખે 53, ત્રીજી તારીખે 53, ચોથીએ 55, પાંચમીએ 59, છઠ્ઠીએ 61, સાતમીએ 62, આઠમીએ 67, નવમીએ 70 અને આજે એટલે કે દસમી સપ્ટેમ્બરે 74એક્ટીવ કેસ નોંધાયા છે.

સુરત મહાનગરપાલિકાના આંકડા જોઈએ તો નવા કેસોની સાથે સાથે  એટલી જ સંખ્યામાં દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. પરંતુ એક્ટીવ કેસોનો આંકડો સતત વધી રહ્યો હોવાથી તંત્રને જરા સરખો પણ હાશકારો જોવા મળી રહ્યો નથી.

એક્સપર્ટ દ્વારા ત્રીજી લહેરની આશંકા દર્શાવવામાં આવી છે અને હાલ તહેવારોની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું આવશ્યક બની રહ્યું છે.

આ ઉપરાંત કોરોના રસી માટે લોકોને રસીકરણ કેન્દ્ર પર જઈ રસી મૂકાવવા માટે તંત્ર દ્વારા અવિરત અપીલ કરવામાં આવી રહી છે. સુરતમાં રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને લોકો પણ જાગૃતિ સાથે રસી મૂકાવા આવી રહ્યા છે. છતાં એક્ટીવ કેસોનો વધારો તંત્ર માટે ચિંતા જરુર ઉભી કરી જાય છે.