ગુજરાતમાં વરસાદની ધમાકેદાર રિ-એન્ટ્રી, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર થયું પાણી પાણી

ગુજરાતમાં ભાદરવા મહિનાના પ્રારંભે જ મેઘરાજાએ ધમાકેદાર રિ-એન્ટ્રી કરીને સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ સહિતના જિલ્લાઓને તરબોળ કર્યા બાદ બુધવારે સવારથી જ રાજ્યભરમાં વરસવાનું શરૂ કર્યું છે. મંગળવારની રાતથી બુધવારની સવાર સુધીમાં જ દક્ષિણ ગુજરાતમાં એક થી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યા બાદ બુધવારે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રને ધમરોળ્યું હતું.

રાજ્યના ૧૩૩થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. બીજી બાજુ ગુજરાતમાં ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના સંભાવનાને પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. બુધવારે  સાંજ સુધીમાં સૌથી વધુ અમરેલી જિલ્લાના બાબરામાં ૧૨૮ મિમી. તેમજ જૂનાગઢના માણાવદરમાં ૯૩ મિમી. ભાવનગરના વલ્લભીપુરમાં ૮૭ મિમી. જ્યારે બોટાદ, સિહોર, ગઢડા, ઉમરાળા, માળીયા અને માંગરોળ સહિતના સૌરાષ્ટ્રના મોટા ભાગના તાલુકાઓમાં એકથી ત્રણ ઇંચ  વરસાદ પડ્યો હતો.
દરમિયાન બુધવારે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૧૬૩ તાલુકામાં વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો ૫૨.૭૮ ટકા વરસાદ પડ્યો હતો. વરસાદ થવાથી ખેડૂતોમાં
ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૬૩ તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ નર્મદા, સુરત અને નવસારી જિલ્લામાં પડ્યો હતો. નર્મદાના દેડિયાપાડામાં ૨૨૦ મિમી., સાગબારામાં ૧૪૨ મિમી, સુરતમાં પલસાણામાં ૧૨૭ મિમી, સુરત શહેરમાં ૧૧૨ મિમી., જ્યારે નવસારીમાં ૯૮ મિમી., વરસાદ થયો છે. સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીના માત્ર બે કલાકના ગાળામાં ૬૧ તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં નોંધાયો છે. ભાવનગરના વલ્લભીપુરમાં ૬૪ મિમી., શિહોરમાં ૫૬ મિમી, ઉમરાળામાં ૫૫ મિમી., વરસાદ થયો છે. એ ઉપરાંત અમરેલી, બોટાદ અને જૂનાગઢમાં પણ સાર્વત્રિક મેઘમહેર થઈ છે.

બીજી બાજુ સીઝનના કુલ વરસાદના આંકડા જોઇએ તો  કચ્છમાં અત્યાર સુધીમાં ૨૨૫ મિમી. ( ૫૦.૯૪ ટકા), ઉત્તર ગુજરાતમાં ૨૮૯ મિમી ( ૪૦.૩૨ ટકા), મધ્ય ગુજરાતમાં ૩૭૨ મિમી., (૪૬.૧૪ ટકા), સૌરાષ્ટ્રમાં ૩૬૧ મિમી ( ૫૧.૫૭ ટકા), જ્યારે દક્ષિણ ગુજરાતમાં ૪૪૩.૩૧ મિમી., ( ૫૨.૭૮ ટકા) વરસાદ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સીઝનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થયો હતો.  જ્યારે ઉત્તર ગુજરાતમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે. ગુજરાતમાં સીઝનનો કુલ ૪૪૩.૩૧ મિમી., (૫૨.૭૮ ટકા) વરસાદ થયો છે.

દરમિયાન હવામાન ખાતાએ જણાવ્યું છે કે ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવનાનાં પગલાંરૂપે રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી હતી.

દરમિયાન જિલ્લામાં મંગળવારે મોડીરાત્રે વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં અઢી ઇંચ, ઘોઘામાં દોઢ ઇંચ, મહુવામાં દોઢ ઇંચ, પાલિતાણામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમજ ગારિયાધાર, તળાજા, વલ્લભીપુર, સિહોર, જેસર, ઉમરાળા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો.

ભાવનગરમાં મંગળવારે મોડીરાત્રીથી વરસાદ શરૂ થયો હતો. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મોડીરાત્રે વીજળીના ચમકારા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ઘણાં લાંબા સમય બાદ વરસાદ વરસતા લોકોને આંશિક રાહત મળી હતી. રાત્રે એક વાગ્યે શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી વરસ્યો હતો. ભાવનગર જિલ્લાના ધરતીપુત્ર માટે આ વરસાદ વાવણી કરાયેલા પાક માટે વરદાન સમાન સાબિત થશે.