ગુનેગારો હવે છટકી નહીં શકે: પોલીસ એક ફોટો ક્લિકથી આરોપીનો તમામ ઈતિહાસ જાણી શકશે

ગુજરાતમાં વધી રહેલી ગુનાગોરીને કાબૂમાં લેવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. ગુનેગારોને ઝડપવા અને ગુનાખોરીને ડામવા માટે હવે ગૃહ વિભાગ દ્વારા ફેસ રેકગ્નાઈઝેશન એપ્લિકેશનનો અમલ કરવા માટેના પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ પ્રોજેક્ટમાં પોલીસને મોબાઇલ ફોનમાં ફેસ રેકગ્નાઇઝેશન એપ્લિકેશન આપવામાં આવશે. એપ્લિકેશનની એક ક્લિકથી જ આરોપીની તમામ વિગતો જાણી શકાશે. જ્યારે ગુમ થયેલ વ્યક્તિ, બિનવારસી મૃતદેહ અંગે પણ માહિતી મેળવી શકાશે. ઇ-ગુજકોપ આ એપ્લિકેશનને જોડીને કામગીરી કરાશે.

ગુનાખોરીને કાબૂમાં લેવા માટે માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ જ નહીં પણ ટૅક્નોલોજીનો ઉપયોગ ખૂબ મહત્ત્વનો છે. જેમાં ગૃહ વિભાગે સીસીટીવી સર્વેલન્સથી માંડીને ઇ ગુજકોપ સુધીની ટૅક્નોલોજીનો સફળ ઉપયોગ કર્યો હોવાનો દાવો કરવામાં આવે છે. ગૃહ વિભાગ ફેસ રેકગ્નાઈઝેશન એપ્લિકેશનના પ્રોજેક્ટની મંજૂરીની કામગીરી આખરી તબક્કામાં છે.

ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ફેસ રેકગ્નાઇઝેશન એપ્લિકેશન અત્યાર સુધીની સૌથી આધુનિક ટૅક્નોલોજી ધરાવે છે. જેમાં કોઇપણ વ્યક્તિનો ચહેરો મોબાઇલમાં ક્લીક કરવાની સાથે જ ગણતરીના સમયમાં જે તે વ્યક્તિનો ઇતિહાસ જાણી શકાશે. આ ફેસ રેકગ્નાઇઝેશન એપ્લિકેશન તમામ વિગતો પોલીસ કંટ્રોલ રૂમને પણ પહોંચાડશે. જેથી કોઇ પણ શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવાની કામગીરી વધુ સારી રીતે થઇ શકશે.

ગુજરાતમાં તમામ પોલીસ સ્ટેશન દીઠ ફેસ રેકગનાઇઝેશન એપ્લિકેશનના ૩૦ જેટલા લાઇસન્સ વર્ઝન આપવાની યોજના પણ બનાવવામાં આવી છે. જેમાં પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને પેટ્રોલિંગ સ્ટાફના મોબાઇલમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેથી પેટ્રોલિંગમાં રહેલો સ્ટાફ રેકગ્નાઇઝેશન એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનું માનવું છે કે આ રેકગ્નાઇઝેશન એપ્લિકેશનનો અમલ શરૂ થતા પોલીસ વિભાગને ડીટેન્શન રેસિયો વધારવામાં સફળતા મળશે, તેવો વિશ્ર્વાસ પોલીસ વિભાગે વ્યક્ત કર્યો હતો.

જોકે, આ એપ્લિકેશનનો ઉપયોગ કરનારું ગુજરાત પહેલું રાજ્ય નથી. તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, પુડુચેરી પોલીસ, રેલવે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તેના સારાં પરિણામો પણ મળી રહ્યાં છે. તો જમ્મુ કાશ્મીરમાં આતંકી સંગઠનો સાથે સંકળાયેલાં અસામાજિક તત્ત્વોને ઝડપી લેવામાં નોંધપાત્ર સફળતા મળી છે અને આર્મી અને સીઆઇએસએફ દ્વારા આ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં  આવે છે.