કંગના રણૌતને ઝટકો, મુંબઈ હાઈકોર્ટે ફગાવી દીધી અરજી, જાવેદ અખ્તરની બદનક્ષીનો કેસ ચાલુ રહેશે

મુંબઈ હાઈકોર્ટે બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌતની અરજી ફગાવી દીધી છે. કંગનાએ અંધેરી કોર્ટમાં પોતાની વિરુદ્ધ માનહાનિનો કેસ રદ્દ કરવાની માંગ કરી હતી. પ્રખ્યાત ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે કંગના સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

મુંબઈ હાઈકોર્ટે પહેલી સપ્ટેમ્બરના રોજ જાવેદ અખ્તરની ફરિયાદ પર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા શરૂ કરાયેલી તિરસ્કારની કાર્યવાહી રદ કરવાની કંગનાની અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

કંગના રણૌતના વકીલ રિઝવાન સિદ્દીકી મારફતે માનહાનિની ​​કાર્યવાહીને પડકારી હતી અને કહ્યું હતું કે ઉપનગરીય અંધેરીની મેજિસ્ટ્રેટ અદાલતે આ મામલે પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો નથી. રણૌતે પોતાની અરજીમાં કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટે ફરિયાદી અને તેની વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં નામ આપવામાં આવેલા સાક્ષીઓની સ્વતંત્ર તપાસ કરી નથી, પરંતુ ફક્ત જુહુ પોલીસની વિવેકબુદ્ધિ પર આધાર રાખ્યો અને તેમની વિરુદ્ધ કેસ શરૂ કર્યો.

વકીલ સિદ્દીકીએ જસ્ટિસ રેવતી મોહિતે-ડેરેની સિંગલ બેન્ચને કહ્યું કે જાવેદ અખ્તરની ફરિયાદની પોલીસ તપાસ “એકતરફી” છે. તેમણે તેમના ક્લાયન્ટ વતી કહ્યું, ‘મારા સાક્ષીઓની ક્યારેય તપાસ કરવામાં આવી ન હતી. મેજિસ્ટ્રેટે ખાતરી કરવી જોઈતી હતી કે કોઈ પણ પક્ષને હેરાન કરવામાં ન આવે. જોકે અખ્તરના વકીલ જય ભારદ્વાજે બેન્ચને જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટે અખ્તરની ફરિયાદ અને ઇન્ટરવ્યૂના અંશોની તપાસ કર્યા બાદ પોલીસ તપાસનો આદેશ આપ્યો હતો. કંગના રણૌતે ઇન્ટરવ્યૂ દરમિયાન કથિત બદનક્ષીજનક નિવેદન આપ્યું હતું.