મોટી દુર્ઘટના: બ્રહ્મપુત્ર નદીમાં જહાજ સાથે અથડાઈ બોટ, 120 યાત્રી હતા સવાર, અનેક લાપતા

આસામના જોરહટ જિલ્લામાં બ્રહ્મપુત્ર નદીમાં મોટો અકસ્માત થયો છે. જહાજ અને મિકેનાઇઝ્ડ બોટ વચ્ચે અથડામણ બાદ બોટ ડૂબી ગઇ હતી, જેમાં 120 લોકો સવાર હતા. ઘટના બાદ એનડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગી અને મોટી સંખ્યામાં લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ પણ ઘણા લોકો ગુમ છે. આવી સ્થિતિમાં મોટી જાનહાની થવાની સંભાવના છે. આ અકસ્માત જોરહટ જિલ્લાના નિમાતીઘાટ નજીક થયો હતો.

નોર્થ ઇસ્ટ ટુડેના અહેવાલ મુજબ, બંને બોટમાં લગભગ 120 લોકો સવાર હતા. હાલમાં, રાહતની વાત છે કે 100 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને માત્ર થોડા લોકોની શોધ ચાલુ છે. આ ઘટના બાદ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક વીડિયોમાં, લોકો બોટ અથડાયા બાદ ચીસો પાડતા અને બચાવ માટે આજીજી કરતા જોવા મળે છે. ઘણા લોકો જે તરવાનું જાણતા હતા તેઓ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જ્યારે સંખ્યાબંધ લોકો જોતા જ પાણીમાં ડૂબી ગયા હતા.

રાજ્યના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ ઘટનાની પુષ્ટિ કરી છે અને કાલે નિમાતીઘાટની મુલાકાત લેવાનું કહ્યું છે. સરમાએ કહ્યું કે હું દુખી છું કે આ ઘટના નિમાતીઘાટમાં બની. CM એ કહ્યું કે મેં માજુલી અને જોરહટના વહીવટીતંત્રને બચાવ કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. આ સિવાય મંત્રી બિમલ બોહરા પણ ઘટનાનો તાગ મેળવવા માટે રવાના થયા છે.

તેમણે કહ્યું કે મેં ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી છે અને ઘટના અંગે સંપૂર્ણ માહિતી આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે સંપૂર્ણ અપડેટ લીધું છે અને કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈપણ સમયે તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.