વાગરાના ત્રાલસા ગામમાં AAPની સભા, આખું ગામ જાણે ખાલી, ઈટાલીયાએ કર્યા આવા આક્ષેપો

આદમી પાર્ટી (AAP) દ્વારા જન સંવેદના મુલાકાતે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે પહોંચતા ગામને ખાલી જોઈ ચોંકી ઉઠી હતી. ગામમાં સન્નાટા વચ્ચે તમામ ઘરો બંધ અને શેરીઓ ઉજ્જડ ભાસતી હતી. AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાએ સુમસામ ત્રાલસા ગામનો આ નજારો જોઈ તેના માટે વાગરા BJP ધારાસભ્ય અરૂણસિંહ રણાને જવાબદાર ગણાવ્યા હતા.

આમ આદમી પાર્ટી વાગરા વિધાનસભા મત વિસ્તારના ગામે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ – બેસણું કરવા આવી છે ત્યારે ભાજપના વાગરાના ગુંડા અને અસામાજિક ધારાસભ્યએ ગામના યુવાનોને ડરાવી-ધમકાવી બસમાં પર પ્રવાસે મોકલી આપવાનો ગંભીર અને ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.

ગોપાલ ઇટાલિયાએ આટલેથી નહિ અટકી કહ્યું હતું કે, AAP નો ભાજપ સરકારની કોરોના કાળમાં નિષ્ફળતા દરમિયાન મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી અને બેસણાનો કાર્યક્રમ કરી રહી છે. ત્યારે ભાજપના ગુંડા ધારાસભ્યએ આખું ગામ ખાલી કરાવી દીધું છે અને બેસનાનો કાર્યક્રમ બંધ રખાવ્યો છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં કોઈ ચૂંટણી નથી કે અમે ચૂંટણી પ્રચાર કરવા આવ્યા હોઈએ.

આજે ચૂંટણીની કોઈ અમે ચર્ચા કરવા પણ અહીં આવ્યા નથી. સમગ્ર ગ્રામજનોને AAP અધ્યક્ષે જણાવ્યું હતું કે, ભાજપના આવા ગુંડાઓથી કોઈએ ડરવાની જરૂર નથી. આપ જેવી ઈમાનદાર પાર્ટીને સપોર્ટ કરો. ગામના 200 થી 300 યુવાનોને આખી રાત ડરાવી-ધમકાવી પોલીસના જોરે ગામ બહાર પ્રવાસે મોકલી આપ્યા હોવાનો આક્ષેપ કરી આપ પ્રદેશ પ્રમુખે ચેતવણી આપી હતી કે, આખી ભાજપ અને તેના બે નંબરી અસામાજિક તત્વો, તમામને કહી દઈએ છીએ કે, તમારા દિવસો ભરાઈ ગયા છે. બિસ્તરા-પોટલાં તૈયાર રાખજો 2022 માં ગુજરાતમાં AAP ની સરકાર આવતા તેઓ જેલભેગા થવાના છે.