ગુજરાતના પાટીદારોને ઓબીસી નહીં પણ અલગ અનામત મળવી જોઈએ: કેન્દ્રીય પ્રધાન આઠવલે

ગુજરાતના પાટીદારો, મહારાષ્ટ્રના મરાઠા અને હરિયાણાના રાજપૂતોને અલગ ક્વોટા બનાવીને અનામત મળવી જોઈએ. તેમનો ઓબીસીમાં સમાવેશ થઈ શકે નહીં એવું કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ જણાવ્યું હતું.

કેન્દ્રીય સામાજિક અને ન્યાય બાબતોના પ્રધાન આઠવલેએ અમદાવાદ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, આઠ લાખથી ઓછી આવક ધરાવતા પાટીદારોને અનામત આપવી જોઈએ. સમગ્ર દેશમાં જાતિ વ્યવસ્થા છે. કાયદામાં નાબૂદ થઈ ગઈ છે. અમે બધાને ન્યાય આપવાની કામગીરી કરી રહ્યા છીએ. સમગ્ર દેશમાં એક લાખ ઇન્ટરકાસ્ટ મેરેજ થઈ રહ્યા છે. કેટલાક લોકોને દલિત સારા કપડાં પહેરે, ઘોડા પર બેસે તો સારું લાગતું નથી.

તેમણે કહ્યું કે અમારી પહેલેથી માગ રહી છે કે, મહારાષ્ટ્રના મરાઠા, ગુજરાતના પાટીદાર કે જેઓ આઠ લાખથી ઓછી આવક ધરાવે છે તેમને અનામત આપવી જોઈએ. મહારાષ્ટ્ર સરકાર કેટલા દિવસ ચાલશે એ ખબર નથી, ખૂબ વહેલા આ સરકાર જતી રહશે. કોઈ હિન્દુની સંખ્યા ઓછી થવાનો સવાલ નથી. વન ફેમિલિ વન ચાઈલ્ડનો કાયદો લાવવો જોઈએ એવો અમારી પાર્ટીનો આગ્રહ છે.

રામદાસ આઠવલેએ વધુમાં ઉમેર્યું કે બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો સારો વિકાસ થયો છે. નરેન્દ્ર મોદી વિચારીને કામ કરે છે, રાહુલ ગાંધી અને મોદીની તુલના ના થઇ શકે. મોદી સરકાર મિલકતો વેચવાનું કામ કરે છે તે બોલવું યોગ્ય નથી.