6 રાજ્યોની ચૂંટણીમાં વપરાયેલા VVPAT મશીનોને ડિસેબલ કરો: સુપ્રીમમાં દાખલ થઈ પીટીશન

ચૂંટણી પંચે છ રાજ્યની વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વપરાયેલા ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીનો (ઇવીએમ) અને વૉટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ (વીવીપીએટી) મશીનો ‘છૂટા (રિલિઝ) કરવા’ માટેની પોતાની અરજીની તાકીદે સુનાવણી કરવા બુધવારે સર્વોચ્ચ અદાલતને વિનંતિ કરી હતી.

કોવિડ-૧૯ના રોગચાળાની બીજી લહેરને લીધે ચૂંટણીને લગતી અરજીઓ સહિતની પિટિશન્સ ફાઇલ કરવાની મહેતલ લંબાવતા આદેશને પગલે હાલમાં આવા અનેક ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીનો અને વૉટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ મશીનોને સાચવી રાખવામાં આવ્યા છે અને તે વપરાયા વિના પડેલા છે.

વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે દલીલ કરી હતી કે અનેક ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીનો અને વૉટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ મશીનો વપરાયા વિના પડેલા હોવાથી તેઓને ‘છૂટા (રિલિઝ) કરવા’ જરૂરી છે.

દેશના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમણના નેતૃત્વ હેઠળની બૅન્ચે ચૂંટણી પંચની આ અરજીની સુનાવણી આગામી અઠવાડિયે કરવા સંમતિ આપી હતી.

આસામ, કેરળ, દિલ્હી, પુડુચેરી, તમિળનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીને લગતી અરજીઓ કરવાની મહેતલ કોવિડ-19ના રોગચાળાની બીજી લહેરને લીધે લંબાવાઇ છે.

વકીલ વિકાસ સિંહે જણાવ્યું હતું કે અગાઉ છ રાજ્યમાં વપરાયેલા અને હાલમાં વપરાશ વિના સાચવી રખાયેલા અનેક ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીનો અને વૉટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ મશીનો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ જેવા કેટલાક રાજ્યમાં વાપરવા માટે જરૂરી હોવાથી તેઓને ‘છૂટા કરવા’ જરૂરી છે. આ મશીનો છૂટા (રિલિઝ) કરાશે તો જ તેનો ઉપયોગ આગામી ચૂંટણીમાં થઇ શકશે.

ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એ. એસ. બોપન્નાનો પણ સમાવેશ કરતી આ બૅન્ચે જણાવ્યું હતું કે અમે આ અરજીની સુનાવણી આવતા અઠવાડિયે હાથ ધરીશું.