અમિતાભ સાથે KBC રમવાનું ભારે પડ્યું, દેશબંધુ પાંડેને અપાઈ ચાર્જશીટ, ત્રણ વર્ષ માટે ઈન્ક્રીમેન્ટ પર રોક

તાજેતરમાં રેલવે કર્મચારી દેશબંધુ પાંડે અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરેલા ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 13’ માં પહોંચ્યા હતા. દેશબંધુએ શોમાંથી કુલ 3,20,000 રૂપિયા જીત્યા હતા પરંતુ તે પછી તેમની મુશ્કેલીઓ થોડી વધી ગઈ છે અને રેલવે દ્વારા તેમને ચાર્જશીટ સોંપવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

હકીકતમાં, કોટા રેલવે વિભાગના સ્થાનિક પ્રાપ્તિ વિભાગના ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ દેશબંધુ પાંડે તાજેતરમાં જ કેબીસી પહોંચ્યા હતા. દેશબંધુ કેબીસી માટે 9 થી 13 ઓગસ્ટ દરમિયાન મુંબઈમાં હતા. દેશબંધુએ તેની રજા માટે રેલવે અધિકારીઓને પણ જાણ કરી હતી, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની અરજી પર પણ વિચાર કરવામાં આવ્યો ન હતો. મીડિયા અહેવાલો અનુસાર, દેશબંધુને રેલવે પ્રશાસન દ્વારા ચાર્જશીટ આપવામાં આવી છે, તેની સાથે તેમનો ઇન્ક્રીમેન્ટ પણ 3 વર્ષ માટે અટકાવી દેવામાં આવ્યો છે.

દેશબંધુએ 3,20,000 રૂપિયા જીત્યા

દેશબંધુ પાંડેનો KBC એપિસોડ 26 અને 27 ઓગસ્ટના રોજ પ્રસારિત થયો. દેશબંધુ શોમાં 6,40,000 રૂપિયાના અગિયારમા સવાલનો જવાબ આપી શક્યા ન હતા, ત્યાર બાદ તેમને 3,20,000 રૂપિયાથી પોતાને સંતોષવો પડ્યો. જે પ્રશ્નનો દેશબંધુ જવાબ ન આપી શક્યા હતા, તે પ્રશ્ન હતો કે “આમાંથી કયો દેશ સંપૂર્ણપણે યુરોપમાં આવેલો છે?” આ પ્રશ્ન માટે વિકલ્પો રશિયા, તુર્કી, યુક્રેન, કઝાકિસ્તાન હતા.

સાચો જવાબ શું હતો?

દેશબંધુ પાસે આ પ્રશ્ન માટે એક્સપર્ટ ઓપિનિયનની લાઈફ લાઈન હતી, જેનો તેઓ ઉપયોગ કરી શકતા હતા પરંતુ તેમણે લાઈફ લાઈનનો  ઉપયોગ કર્યો ન હતો અને રશિયા હોવાનો જવાબ આપ્યો હતો. તેમનો આ જવાબ ખોટો નીકળ્યો, જ્યારે સાચો જવાબ યુક્રેન હતો.