વિવાદ બાદ લેવાયો નિર્ણય: સ્વતંત્રતાની ઉજવણીના નવા પોસ્ટરમાં નહેરુનો પણ ફોટો હશે

દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના પૉસ્ટરમાં જવાહરલાલ નહેરુનો ફૉટો નહીં હોવાથી સર્જાયેલા વિવાદ અને વિરોધ પક્ષોનો વિરોધ બાદ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટરિકલ રિસર્ચે જણાવ્યું હતું કે આ વિવાદ ‘બિનજરૂરી’ છે અને આગામી દિવસોમાં બહાર પાડવામાં આવનારા નવા પૉસ્ટરમાં દેશના પ્રથમ વડા પ્રધાનનો પણ ફૉટો હશે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટરિકલ રિસર્ચના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ કિસ્સામાં કોઇની અવગણના નથી કરી રહ્યા. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે આગામી દિવસોમાં બહાર પાડવામાં આવનારા નવા પૉસ્ટરમાં જવાહરલાલ નહેરુનો ફૉટો પણ હશે.
આમ છતાં, કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ કિસ્સામાંની ચુપકીદી સામે સવાલ ઉઠાવ્યો હતો.
તેણે જણાવ્યું હતું કે મોદીએ દ્વેષભાવ છોડીને આ પ્રકરણમાં દરમિયાનગીરી કરવી જોઇએ.

વિપક્ષોએ જણાવ્યું હતું કે દેશના પ્રથમ વડા પ્રધાનનો ફૉટો ઇરાદાપૂર્વક પૉસ્ટરમાં નહોતો છપાયો.
શિક્ષણ મંત્રાલય હેઠળ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટરિકલ રિસર્ચ સ્વતંત્ર રીતે કામ કરી રહી છે.
તેણે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવા અનેક પ્રવચન અને પરિસંવાદનું આયોજન કર્યું છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટરિકલ રિસર્ચના અધિકારીએ જણાવ્યું હતું કે  ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે બહાર પાડવામાં આવેલા કેટલાક પૉસ્ટરોમાંનું આ પૉસ્ટર છે. થોડા દિવસોમાં અન્ય પૉસ્ટરો પણ બહાર પાડવામાં આવશે અને જવાહરલાલ નહેરુના ફૉટાનો તેમાં સમાવેશ કરાશે અને તેથી હાલના પૉસ્ટરને લગતો વિવાદ બિનજરૂરી ગણાય.