હિન્દુ બહુમતિના નિવેદન અંગે નીતિન પટેલને કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું…

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા જે રીતે ધાર્મિક આધાર દેશને વિભાજિત કરવાની માનસિક્તા સાથે નિવેદન આપ્યું છે તે દુ:ખદ છે, એવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં હજારો વર્ષોથી વિવિધ જ્ઞાતિ અને ધર્મના લોકો એક સાથે રહેતા આવ્યા છે. ક્યારેય ધર્મના આધારે દેશના ભાગલા પાડવા પ્રયત્નો થયા નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હંમેશાં દેશને ધર્મ અને જ્ઞાતિની આધાર ઉપર ભાગલા પડાવવા પ્રયત્નો કરી રહ્યા છે. એક વખત તો તેમણે મુસ્લિમ લીગના મિલાપીપણામાં દેશના ભાગલા પડાવ્યા અને હજી પણ તેઓ આવી જ ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે. જ્યારે પણ તક મળે ત્યારે પોતાના અંગત રાજકીય સ્વાર્થને સાધવા માટે નફરતની ભાષાનો ઉપયોગ કરવાનું અને કાલ્પનિક ભય ઉભો કરવાનું ચુકતા નથી.

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાને પણ આજ પરંપરાને આગળ ધપાવી છે. તેમણે કહ્યું કે અહીં એક ધર્મની બહુમતી રહેવી જોઈએ. નહીં હોય તો ડરાવવા પ્રયત્ન કર્યો કે અહીની વ્યવસ્થા તૂટી પડશે. આ તદ્દન વાહિયાત અને કાલ્પનિક વાત છે. આપણા પૂર્વજોએ જે બલિદાનથી લોકશાહીની સ્થાપના કરી છે તે હંમેશાં અકબંધ રહેશે. નફરત અને કાલ્પનિક ડરનો માહોલ ઊભી કરવાની રાજનીતિના આવા નિમ્નકક્ષાના પ્રયત્નો કરનાર લોકોને જનતા નકારી કાઢશે.

તેમણે કહ્યું કે હું ભાજપના ટોચના નેતાઓને વિનંતી કરું છું કે તમે દેશને ધર્મ અને જાતિના નામે વિભાજિત કરવાના પ્રયત્નો બંધ કરો અને તમારી પાર્ટીના જે નેતાઓ કરી રહ્યા છે તેમને અટકાવવો. આપણે સહુએ રાષ્ટ્રિય એકતાના ધ્યેય સાથે આગળ વધવું પડશે. આપણે સહુ ધર્મ, જ્ઞાતિથી પહેલા ભારતીય છીએ. દેશને એક રાખી આગળ ધપાવવાની આપણી સહુની પવિત્ર ફરજ છે એનું પાલન કરીશું તો જ દેશ એક વૈશ્ર્વિક મહાસત્તા બની શકશે.