ભાવિના પટેલે રાષ્ટ્રીય ખેલ દિવસ પર દેશને આપી ગિફટ, ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો

ગુજરાતના મહેસાણાની ટેબલ ટેનિસ ખેલાડી ભાવનાબેન પટેલ ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના ખાતામાં પ્રથમ મેડલ લાવી છે. ભાવિનાએ રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે સમગ્ર ભારતને આ ભેટ આપી છે. ગોલ્ડ મેડલ માટે રમાયેલી મેચમાં ભાવિનાએ વિશ્વની નંબર વન ચીનની યિંગ ઝોઉ સામે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર છતાં તેણે કરોડો ભારતીયોના દિલ જીતી લીધા છે. ભાવિના બેસ્ટ ઓફ ફાઇનલ સેટમાં એક પણ સેટ જીતી શકી ન હતી અને ઝોઉએ 3-0 ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા સિંગલ્સ વર્ગ -4 ની ફાઇનલ મેચ રવિવારે સવારે રમાઇ હતી.

34 વર્ષીય ભાવિનાએ પેરાલિમ્પિક ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને શનિવારે સેમિફાઇનલમાં વિશ્વની ત્રણ નંબરની ખેલાડીને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવી હતી. ભારતીય કેમ્પ આનંદ સાથે આશ્ચર્યચકિત હતી. જોકે, ભાવિના અંતિમ મેચમાં આ ઝડપ બતાવી શકી નહોતી અને 19 મિનિટમાં ઝોઉ સામે ગોલ્ડ મેડલ મેચ હારી ગઈ હતી.

આ મેડલ સાથે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું ખાતું પણ ખુલ્યું. ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતનું ખાતું સિલ્વર મેડલ સાથે ખોલવામાં આવ્યું હતું અને ત્યારે પણ માત્ર મહિલા એથ્લીટે ભારતનું ખાતું ખોલ્યું હતું. વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જે આ ગેમ્સમાં ભારતનો પ્રથમ મેડલ હતો.

ઝોઉના ખાતામાં પાંચ પેરાલિમ્પિક મેડલ છે, જેમાં તેણે બેઇજિંગ અને લંડન પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. છ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી ઝોઉએ ભાવિનાને ફાઇનલમાં પોતાનું વર્ચસ્વ જમાવવાની કોઈ તક આપી ન હતી.