ગુજરાતમાં ભર ચોમાસે પાણીનો પોકાર: આટલા બધા ગામોમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવે છે

બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ અને દેવભૂમિ દ્રારકાના ૨૩ ગામોમાં ૧૩ ટેન્કો દ્વારા રોજના ૫૬ ફેરાઓ કરી પાણી પહોંચાડવામાં આવે છે.બનાસકાંઠા જિલ્લામાં ૩ તાલુકાઓમાં ૧૧ ગામ, સુરેન્દ્રનગરમાં ૨ તાલુકામાં ૩ ગામ, કચ્છમાં ૨ તાલુકાના ૭ ગામ, દેવભૂમિ દ્રારકામાં એક તાલુકાના ૨ ગામોમાં ટેન્કરથી પાણી જાય છે.

કચ્છ જિલ્લામાં ટેન્કરો દ્વારા સૌથી વધુ ૨૭ ફેરા કરવામાં આવે છે. બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં રોજના ૧૨-૧૨ ફેરા થાય છે. ભૂજ તાલુકાના કોટાય ગામમાં ટેન્કરોથી સૌથી વધારે દૈનિક ૮ ફેરા કરવામાં આવે છે. ભૂજ તાલુકાના જ ધ્રોબાણા ગામમાં રોજના ૭ ફેરા કરવામાં આવે છે. આ તમામ આંકડાઓ પાણી પુરવઠા બોર્ડના છે. આ સિવાય પણ ગામોમાં ખાનગી ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હોવાનો અંદાજ છે.

રાજ્યમાં હજૂ સુધી માત્ર ૪૨ ટકા જ સરેરાશ વરસાદ જ થયો છે. ૨૨ તાલુકાઓમાં હજૂ ૫ ઇંચ જેટલો પણ વરસાદ પડ્યો નથી. ગત વર્ષે આ સમય સુધી સરેરાશ ૧૦૮ ટકા વરસાદ થઇ ગયો હતો. આ વર્ષે ઓછા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાણી પુરવઠા બોર્ડના પ્રમાણે, રાજ્યના ૪ જિલ્લાના ૮ તાલુકાના ૨૩ ગામો અત્યારે પાણી માટે ટેન્કરના સહારે છે.