બ્રેઈનડેડ મહિલાએ કર્યું અંગદાન: સુરતમાં મહિલાએ ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું

અંગદાનમાં અગ્રેસર રહેલા સુરતમાંથી વધુ અંગદાન થતાં માનવતાની મહેક પ્રસરી છે. ખંભાતી ક્ષત્રીય સમાજના બ્રેઈનડેડ દિપીકાબેન ભરતભાઈ ધારીયાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.કિડનીની બિમારીથી પીડાતા અને ડાયાલીસીસ કરાવતા દિપીકાબેન બ્રેઈનડેડ થતા પરિવારે તેમના અંગોનું દાન કરી તેમના જેવા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન આપી સમાજમાં શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું.

દિપીકાબેનના પતિએ જણાવ્યું કે, મારા પત્નીની બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી છેલ્લા બે વર્ષથી તે ડાયાલીસીસ ઉપર હતી. અઠવાડિયામાં બે વખત તેનું ડાયાલીસીસ કરાવતા હતા. ડાયાલીસીસની પીડા અમે સારી રીતે સમજીએ છીએ. તેમજ બીજા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓ અને તેમના પરીવારજનોને પણ શું પીડા થતી હશે તે અમે સારી રીતે સમજીએ છીએ. આથી આજે જયારે મારી પત્ની બ્રેઈનડેડ છે ત્યારે તેના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપો.

ગત રવિવારના રોજ સવારે ૯ કલાકે દિપીકાબેનને શ્વાસ લેવાની તકલીફ થયા બાદ તેઓ બેભાન થઇ ગયા હતાં. પરિવારજનોએ તેમને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં નેફ્રોલોજીસ્ટ ડૉ.કલ્પેશ ગોહિલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યાં તેમનું હૃદય બંધ થઇ જતા ઝ્રઁઇ આપીને હૃદયને ફરીથી ધબકતું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની તબિયત વધુ બગડતા નિદાન માટે સિટી સ્કેન કરાવતા મગજમાં લોહી ઓછુ પહોંચવાને કારણે નાના મગજમાં નુકસાન થયું હોવાનું નિદાન થયું હતું.