બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાઇ શકે

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આ વર્ષના અંતે નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાઇ શકે છે. પેપર લીક થવાના કારણે પરીક્ષાને રદ કરવામાં આવી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શાળાઓમાં પરીક્ષા યોજવા અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

અસિત વોરાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. પરંતુ હજી ત્રીજી વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બિનસચિવાલય ક્લાર્કની ભરતીમાં લાખો ઉમેદવારો ભાગ લેતા હોય છે. કોરોના સંક્રમણને કારણે મોટી ભરતી માટે કોઇ આયોજન થઇ શક્યા ન હતા. પરંતુ હાલમાં કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ભરતી પરીક્ષાના આયોજન માટે ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખી હાલમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના માટે ઉમેદવારોમાં પરીક્ષા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે માટે થઇને વધુ પ્રમાણમાં સેન્ટર પસંદગી કરવામાં આવશે. જેના માટે થઇને ગ્રામ્ય વિસ્તારમાં પણ પરીક્ષા સેન્ટર ફાળવણી માટે વિચારણા કરવામાં આવી રહી છે.

ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં જે બનાવો બન્યા છે તેવા બનાવો ભવિષ્યમાં ના બને તેના માટે ખાસ કાળજી રાખવામાં આવી છે. પેપર ફૂટવા જેવી ઘટનાઓને કારણ ઉમેદવારોના ભવિષ્ય સામે સવાલો ઉભા થાય છે. જેના કારણે સેન્ટરમાં સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થાઓ રાખવામાં આવે છે. ઘણા વિસ્તારોમાં સેન્ટર પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા હોતી નથી. જેના કારણે પરીક્ષામા ચોરી થવાની સંભાવનાઓ રહે છે. આવી ઘટનાઓને કારણે હોંશિયાર અને મહેનત કરનાર ઉમેદવારોને અન્યાય થાય છે. ગ્રામ્ય વિસ્તારોના સેન્ટર પર સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. જેના પાછળ હજી ૨-૩ મહિના જેટલો સમય લાગશે. આ ગાળા દરમિયાન નાની નાની ભરતી માટે પરીક્ષાઓનું આયોજન ચાલુ રહેશે. પરંતુ મોટી ભરતીનું આયોજન ડિસેમ્બર સુધીમાં શક્ય બનશે.