મેઘરાજાની તોફાની બેટીંગ, મહાબળેશ્વરમાં જળબંબાકારઃ 24 કલાકમાં 23 ઈંચ વરસાદ

વિશ્વ પ્રસિદ્ધ હિલસ્ટેશન મહાબળેશ્વરમાં ધનાધન બેટીંગ કરતા ૨૪ કલાકમાં નોંધપાત્ર ૫૯૪.૪ મિલિમીટર (આશરે ૨૩ ઈંચ) વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ શુક્રવાર સવારના ૮ઃ૩૦ કલાક સુધીમાં આ આંકડો છે. એક અંદાજ મુજબ મહાબળેશ્વરમાં એક દિવસમાં આ સર્વોચ્ચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં ક્યારેય આટલો બધો વરસાદ એક દિવસમાં પડ્યો નથી. મહાબળેશ્વરમાં બુધવારે ૪૮૨ એમએમ અને ગુરૃવારે ૪૬૧ એમએમ વરસાદ હતો.

આઈએમડીના પ્રાદેશિક વિભાગના વડા ડો. જયંત સરકારે જણાવ્યું કે, મહાબળેશ્વરમાં વિતેલા ૨૪ કલાકમાં ૫૯૪.૪ એમએમ વરસાદ નોંધાયો છે. હિલસ્ટેશનના ઈતિહાસમાં આ એક દિવસનો સૌથી વધુ વરસાદ રહ્યો છે.

વરિષ્ઠ વિજ્ઞાની ડો. શુભાંગી ભુતેએ ૨૦૧૦ પછીના આંકડાની વિગતો આપતા કહ્યું કે અત્યાર સુધીમાં ૩૧ જુલાઈ ૨૦૧૪ના મહાબળેશ્વરમાં સર્વાધિક ૪૩૨ એમએમ વરસાદ પડ્યો હતો. અગાઉ ૧૬ જુલાઈ ૨૦૧૮ના ૨૯૮.૭ એમએમ તેમજ ૨૬ જુલાઈ ૨૦૧૦ના ૨૯૦.૮ એમએમ વરસાદ નોંધાયો હતો. મહાબળેશ્વરમાં વર્ષ દરમ્યાન સરેરાશ ૫,૫૩૦ મિમિ વરસાદ નોંધાય છે જ્યારે ગત ત્રણ દિવસમાં જ વર્ષનો ૩૦ ટકા વરસાદ પડ્યો છે.