કોંગ્રેસમાંથી પડી મોટી વિકેટ, પાટીદાર નેતા ધીરુ ગજેરા ભાજપમાં જોડાયા, PM મોદી માટે કહી આવી વાત

કોંગ્રેસના નેતા ધીરુ ગજેરાએ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. સુરત ભાજપ કાર્યાલય ખાતે ધીરુ ગજેરા વિધિવત રીતે ભાજપની સાથે જોડાયા છે. વર્ષ ૨૦૦૭માં તેઓ ભાજપથી વિખુટા પડ્યા હતા અને હવે તેઓ ફરીથી ભાજપની સાથે જોડાઈ ગયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ધીરુ ગજેરાને કેસરિયો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા છે. ધીરુ ગજેરાની સાથે કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રતાપ દરબાર, સુરત કોંગ્રેસના મહામંત્રી રાઈસંગ મોરી, સુરત કોંગ્રેસના મહિલા ઉપપ્રમુખ અમિતા અગ્રાવત અને સુરત કોંગ્રેસના મંત્રી જમન ઠેસિયાએ પણ ભાજપનો કેસરિયો ખેસ કર્યો હતો.

તેમણે ભાજપમાં જોડાયા બાદ જણાવ્યું હતું કે, ૨૦૦૭માં અમે અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાથે ટક્કર લીધી પણ અમે નિષ્ફળ રહ્યા. અમને ૩૦ જેટલા ધારસભ્યોએ કોંગ્રેસને ટિકિટ આપી હતી. તેમાંથી એક જ ધારાસભ્ય ચૂંટાયો. બધા ધારાસભ્યો હારી ગયા. ધીરે-ધીરે બધા પાર્ટીમાં જોડાતા ગયા.

ધીરુ ગજેરાએ ભાજપમાં જોડાવવા બાબતે અગાઉ જણાવ્યું હતું કે, મને મારા ઘરમાં જવાથી આનંદ થતો હોય છે. ભાજપ છોડવામાં હું એકલો નહોતો મારી સાથે મારા ઘણા સાથી મિત્રો હતા. ધારાસભ્યો, સાંસદ સભ્યો, માજી મુખ્યમંત્રી સહિતના અમે લોકો ૨૦૦૭માં જુદા પડ્યા હતા. ત્યારબાદ ધીરે-ધીરે બધા ભાજપમાં આવતા ગયા. હું ઘણો સમય બહાર રહ્યો હતો. મને ઘણી વખત મિત્રો મને કહેતા હતા કે તમે ભાજપમાં જોડાઈ જાવ. ૨૦૦૭થી જ તેઓ મને કહેતા હતા.

તેમણે કહ્યું કે હું વિધાનસભા લડ્યો, લોકસભા લડ્યો અને અંતે ૨૦૧૭માં મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ચાર વર્ષથી એમનમ બેઠો હતો. પછી મારા શુભેચ્છક મિત્રો પણ મને કહેતા હતા કે, ધીરુભાઈ ભાજપમાં જતા રહો. એટલે મેં નિર્ણય કર્યો મારા ઘરમાં રહેવાનો. ત્યારબાદ મેં પ્રદેશ અધ્યક્ષનો સી.આર. પાટીલનો સમય લીધો. ત્યારબાદ તેમણે હાઈકમાન્ડ પાસેથી ગ્રીન સિગ્નલ મેળવ્યું. હાઈકમાન્ડે મને હા પાડી એટલે મેં ભાજપમાં જવાનું નક્કી કર્યું. આ નિર્ણયની મને ખૂશી છે અને ગર્વ છે.