ભારે ઉત્સાહ સાથે ટોક્યો ઓલિમ્પિકનું ઓપનિંગ: મનપ્રીત સિંહ અને મેરી કોમે કર્યું ભારતનું નેતૃત્વ

જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલિમ્પિક-2021નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ભવ્ય ઉદઘાટન સમારોહથી દરેકનું મન મોહી ગયું હતું. આ દરમિયાન ભારતીય ટીમે પણ ભાગ લીધો હતો. ભારતીય ટીમનું નેતૃત્ત્વ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને દિગ્ગજ મહિલા બોક્સર મેરી કોમ કરી રહ્યા હતા. બંને હાથમાં ત્રિરંગો લઈને આગળ વધી રહ્યાં હતા, જ્યારે અન્ય સભ્યો હાથમાં ત્રિરંગો લઇને પાછળ હતા. ભારતના કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુર પણ આ પ્રસંગના સાક્ષી બન્યા હતાં.

અનુરાગ ઠાકુર અને રમત ગમત રાજ્યમંત્રી નિસિથ પ્રમાનિકે શુક્રવારે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમથી 32 મી ઓલિમ્પિક રમતોના ઉદઘાટનની મજા માણી હતી. ટોક્યોમાં ભાગ લેનારા ભારતીય ટુકડીના ઉત્સાહને વધારવા માટે તેમની સાથે પૂર્વ રમતવીરો અને વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

કોરોના મહામારીને કારણે એક વર્ષ મોડેથી શરૂ થયેલા ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની જોરશોરથી શરૂ થઈ હતી. સામાન્ય રીતે ઓપનિંગ સેરેમની અને તમામ દેશના ખેલાડીઓની માર્ચ પાસ્ટ ઓલિમ્પિક ગેમ્સના મુખ્ય આકર્ષણમાંથી એક હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે માત્ર 1000 ખેલાડી અને અધિકારી જ આ કાર્યક્રમમાં હાજર હતાં. લગભગ ખાલી સ્ટેડિયમમાં સૌથી પહેલાં કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ખેલાડીઓની માર્ચ પાસ્ટમાં ભારતીય દળ 21માં નંબરે હતું. મેરીકોમ અને કેપ્ટન મનપ્રીત સિંહે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

સમગ્ર ઓલિમ્પિકનાં આયોજનની વાત કરીએ તો આ વખતે ઓલિમ્પિકમાં લગભગ 11,238 ખેલાડીઓ 33 રમતોમાં 339 ગોલ્ડ માટે દાવેદારી રજૂ કરી રહ્યાં છે. ઓપનિંગ સેરેમનીમાં જાપાનના સમ્રાટ નારુહિતો પણ સામેલ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની પત્ની ઝિલ બાઈડન ઓલિમ્પિક સ્ટેડિયમ પહોંચ્યા હતાં. અમેરિકાના 613 એથેલીટ આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યાં છે.